માતા-પિતાએ બે મહિનાથી ઘરમાં સાંકળથી બાંધી રાખેલી પુત્રીનો પોલીસે કર્યો છુટકારો
જાલના: જાલના જિલ્લાના એક ગામમાં માતા-પિતા દ્વારા દીકરીને છેલ્લા બે મહિનાથી ઘરમાં બંધક બનાવીને તેને સાંકળથી બાંધી રાખવામાં આવી હતી. પોલીસે એ ઘરમાં રેઇડ પાડીને તેનો છુટકારો કરાવ્યો હતો.
અધિકારીએ જણાવ્યું હતું કે પીડિતાના પતિની ફરિયાદ પર બોમ્બે હાઇ કોર્ટની ઔરંગાબાદ બેન્ચે આપેલા નિર્દેશો અનુસાર પોલીસે સોમવારે આ કાર્યવાહી કરી હતી.
પીડિતાની ઓળખ શેહનાઝ ઉર્ફે સોનલ તરીકે થઇ હતી. શેહનાઝને ભોકરદાન તહેસીલના અલાપુર ગામમાં માતા-પિતાના ઘરમાંથી છોડાવાઇ હતી, જ્યાં તેને બે મહિનાથી સાંકળથી બાંધી રાખવામાં આવી હતી.
આ પણ વાંચો: આંતરજ્ઞાતીય લગ્ન કરનારા યુગલોને સંરક્ષણ આપવા વિશેષ સેલ સ્થપાશે
પોલીસના જણાવ્યા અનુસાર 20 વર્ષની પીડિતાએ આંતરજ્ઞાતીય લગ્ન કર્યાં હતાં અને તેને ત્રણ વર્ષનો પુત્ર છે.
બે મહિના અગાઉ તે પુત્ર સાથે માતા-પિતાના ઘરે ગઇ હતી. જોકે તેણે આંતરજ્ઞાતીય લગ્ન કર્યાં હોવાથી માતા-પિતા તેનાથી નારાજ હતા. માતા-પિતાએ તેને પતિના ઘરે પાછી જવા દીધી નહોતી અને ઘરમાં સાંકળથી બાંધી રાખી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે વારંવારના પ્રયાસો છતાં પતિ તેને પાછો લાવી શક્યો નહોતો, કારણ કે તેને ઘરમાં પ્રવેશ આપવામાં આવતો નહોતો. આથી પતિએ કોર્ટના દ્વારા ખટખટાવ્યા હતા. દરમિયાન પોલીસ ટીમે ઘરમાં રેઇડ પાડી હતી અને શેહનાઝ તથા તેના પુત્રનો છુટકારો કર્યો હતો, જેમને બાદમાં સરકારી વકીલ મારફત પતિને સોંપવામાં આવ્યા હતા.
શેહનાઝનાં માતા-પિતા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો નહોતો. જો શેહનાઝ ફરિયાદ નોંધાવશે તો કાર્યવાહી કરવામાં આવશે, એમ પોલીસે કહ્યું હતું.
(પીટીઆઇ)