નાગપુરની નિર્માણાધીન ઈમારતમાં ધમધમતી ડ્રગ ફૅક્ટરીનો પર્દાફાશ: ચાર પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ડિરેક્ટોરેટ ઑફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સે (ડીઆરઆઈ) નાગપુરની નિર્માણાધીન ઈમારતમાં ધમધમકી ડ્રગ્સ ફૅક્ટરીનો પર્દાફાશ કરી અંદાજે 78 કરોડ રૂપિયાનું લિક્વિડ મેફેડ્રોન (એમડી) જપ્ત કર્યું હતું. આ કાર્યવાહીમાં માસ્ટરમાઈન્ડ એવા ફાઈનાન્સર સહિત ચાર જણની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: અમદાવાદ SOGએ પકડયું 6.47 લાખનું ડ્રગ્સ: પતિ કામ ન કરતો હોયથી મહિલાએ શરૂ કર્યું…
નાગપુરના પાચપાવલી વિસ્તારમાં આવેલી નિર્માણાધીન ઈમારતમાં ડ્રગ્સનું ઉત્પાદન થતું હોવાની માહિતી ડીઆરઆઈને મળી હતી. માહિતીને આધારે ડીઆરઆઈના અધિકારીઓએ નાગપુર પોલીસની મદદથી શનિવારે ઈમારતમાં સર્ચ હાથ ધરી હતી.
સર્ચ દરમિયાન અધિકારીઓને અદ્યતન લૅબોરેટરી મળી આવી હતી, જેમાં કેમિકલ સહિતની સામગ્રી રાખવામાં આવી હતી. લગભગ 100 કિલો એમડી તૈયાર કરી શકાય એટલો કાચો માલ લૅબોરેટરી-ફૅક્ટરીમાંથી મળી આવ્યો હતો.
આ પણ વાંચો: આસામ પોલીસને મળી મોટી સફળતા: 120 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત
અધિકારીએ જણાવ્યું હતું કે અંદાજે 51 કિલો લિક્વિડ એમડી તૈયાર મળી આવ્યું હતું, જેની કિંમત 78 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ફૅક્ટરી ચલાવવા માટે આર્થિક ભંડોળ પૂરું પાડનારા માસ્ટરમાઈન્ડ અને તેના ત્રણ સાથીને તાબામાં લેવાયા હતા. આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.