મહારાષ્ટ્ર
પોલીસના સ્વાંગમાં વૃદ્ધાના દાગીના પડાવી બે આરોપી ફરાર

પુણે: પિંપરી-ચિંચવડના તળેગાંવ દાભાડે વિસ્તારમાં પોલીસના સ્વાંગમાં વૃદ્ધાના દાગીના પડાવી બે આરોપી ફરાર થયા હતા. તળેગાંવ દાભાડે પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને આરોપીઓની શોધ આદરી હતી.
તળેગાંવ દાભાડે રોડ પરના મનોહર નગરમાં રહેતી 62 વર્ષની ફરિયાદી વૃદ્ધા પગપાળા જઇ રહી હતી ત્યારે આરોપીઓએ તેને રોકી હતી. આરોપીઓએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. તેમણે વૃદ્ધાને જણાવ્યું હતું કે આ વિસ્તારમાં દાગીના પહેરીને જવામાં જોખમ હોવાથી તમે તમારા દાગીના કાઢીને કાગળમાં વીંટાળી પર્સમાં રાખી દો.
આથી વૃદ્ધાએ તેના કાઢીને આરોપીઓને આપ્યા હતા અને તેમણે હાથચાલાકીથી દાગીના પડાવીને કાગળમાં પથ્થર રાખી વૃદ્ધાને આપ્યો હતો. બાદમાં તેઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા. વૃદ્ધાએ ઘરે જઇને કાગળ ખોલતાં તેમાં દાગીનાને બદલે પથ્થર નીકળ્યો હતો. વૃદ્ધાએ ત્યાર બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.