પુણેમાં ટ્રેનિંગ વિમાનના ટાયરમાં સર્જાઈ ખામી, બારામતી એરપોર્ટ નજીક ક્રેશ લેન્ડિંગ

પુણે: મહારાષ્ટ્રના પુણેમાં જિલ્લાના બારામતી હવાઈ મથક નજીક એક ટ્રેનિંગ વિમાન દુર્ઘટના ગ્રસ્ત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વિમાનમાં ખામી હોવાથી પાયલટે તાત્કાલિક લેન્ડિંગની પરવાનગી માગ હતી. જે બાદ લેન્ડિગ સમયે દુર્ઘટના સર્જાઈ હતી. સદનસીબે દુર્ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી પાયલટ સુરક્ષિત છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ ઘટના ત્યારે બની જ્યારે રેડબર્ડ ફ્લાઈટ ટ્રેનિંગ સેન્ટરનું એક વિમાન તાલીમી ઉડાન પૂર્ણ કરીને બારામતી એરપોર્ટ પર ઉતરવાની તૈયારી કરી રહ્યું હતું. ઉડાન દરમિયાન પાયલટે નોંધ્યું કે વિમાનનું એક ટાયર ખરાબ થઈ ગયું છે. આ પછી, પાયલટે સવારે 08:30 વાગ્યે ઈમરજન્સી લેન્ડિંગનો પ્રયાસ કર્યો. જોકે, લેન્ડિંગ દરમિયાન વિમાનનું આગળનું ટાયર નીકળી ગયું, જેના કારણે વિમાન ટેક્સીવેથી ભટકી ગયું અને એરપોર્ટની બીજી બાજુએ જઈને અટક્યું.
આ પણ વાંચો: એર ઇન્ડિયાએ ચિંતા વધારી! વધુ એક ડ્રીમલાઇનર વિમાનમાં ખામી સર્જાઈ, હોંગકોંગથી દિલ્હી આવતી હતી ફ્લાઇટ
આ ઘટનામાં સૌથી રાહતના સમાચાર એ છે કે પાયલટ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે તેને કોઈને ઈજા થઈ નથી. પોલીસે જણાવ્યું કે પાયલટે પરિસ્થિતિને ઝડપથી સંભાળી અને ઈમરજન્સી લેન્ડિંગનો નિર્ણય લઈને મોટી દુર્ઘટના ટાળી. હાલમાં, આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં વિમાનના ટાયરના નુકસાનનું કારણ અને લેન્ડિંગ દરમિયાન થયેલી ભૂલોની ચકાસણી કરવામાં આવશે. આ ઘટના ટ્રેનિંગ વિમાનોની સલામતી અને જાળવણીના મુદ્દાઓને ફરી એકવાર ચર્ચામાં લાવી છે.
બારામતી એરપોર્ટ ખાસ કરીને ફ્લાઈટ ટ્રેનિંગ માટે જાણીતું છે, જ્યાં રેડબર્ડ ફ્લાઈટ ટ્રેનિંગ સેન્ટર જેવી સંસ્થાઓ નવા પાયલટોને તાલીમ આપે છે. આવી ઘટનાઓ ભવિષ્યમાં ટાળવા માટે વિમાનોની નિયમિત તપાસ અને સલામતીના ધોરણોનું પાલન કરવું અત્યંત જરૂરી છે. આ ઘટના બાદ એરપોર્ટ પર સલામતીના નિયમોને વધુ કડક કરવાની શક્યતા છે, જેથી આવી દુર્ઘટનાઓ ફરી ન બને. આ ઘટનાએ એકવાર ફરીથી એવિએશન સલામતી પર ધ્યાન દોર્યું છે.