મહારાષ્ટ્રમાં ગેરકાયદે રહેતા ૪૨ બાંગ્લાદેશીના પાસપોર્ટ રદ, જાણો શું છે કારણ?
પિંપરી-ચિંચવડઃ મહારાષ્ટ્રમાં બાંગ્લાદેશીઓ ગેરકાયદે રીતે વસવાટ કરી રહ્યા હોવાનું અનેકવાર બહાર આવ્યું છે. તેમની પાસેથી બનાવટી દસ્તાવેજોના આધારે ભારતીય પાસપોર્ટ પણ જપ્ત કરવામાં આવ્યા હોવાના ઘણા કિસ્સા છે.
જાન્યુઆરી મહિનામાં આતંકવાદ વિરોધી ટુકડીને મળેલી ગુપ્ત માહિતીને આધારે પાંચ બાંગ્લાદેશીઓની નિગડી પોલીસ સ્ટેશનની હદમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે ૨૦૧૫ થી તેમના સંપર્કમાં રહેલા પાસપોર્ટ એજન્ટની પણ પૂછપરછ કરી હતી.
આ પણ વાંચો: ઉત્સાહમાં મોબાઇલ-પાસપોર્ટ ભૂલી ગયો આ ક્રિકેટર, ઝિમ્બાબ્વેમાં કરવાનો છે ઇન્ટરનૅશનલ ડેબ્યૂ
પોલીસે એકઠી કરેલી માહિતી અને મોબાઈલ ફોનના આધારે, ૪૨ બાંગ્લાદેશીઓના પાસપોર્ટ રદ કરવા માટે પ્રાદેશિક પાસપોર્ટ ઑફિસનો પુણે પિંપરી-ચિંચવડ આતંકવાદ વિરોધી ટુકડી, ફોરેન નેશનલ્સ રજિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ અને સ્પેશિયલ બ્રાન્ચ ટુની મદદથી સંપર્ક કરવામાં આવ્યો હતો. બનાવટી દસ્તાવેજોના આધારે ૪૨ પાસપોર્ટ બનાવવામાં આવ્યા હતા.
આ મામલો ખૂબ જ સંવેદનશીલ હોવાથી, પુણે પાસપોર્ટ ઓફિસે ૪૨ બાંગ્લાદેશી ઘૂસણખોરોના ભારતીય પાસપોર્ટ રદ કર્યા. આ તમામ પ્રક્રિયાને છ મહિનાનો સમય લાગ્યો છે. આ કામગીરી પોલીસ કમિશનર વિનયકુમાર ચૌબેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.