પાર્ટી ફંડમાંથી રૂ. 50 લાખ ઉપાડવાનો આરોપ:
ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અનિલ દેસાઇ ઇઓડબ્લ્યુ સમક્ષ હાજર થયા
મુંબઈ: પાર્ટી ફંડમાંથી 50 લાખ રૂપિયા ઉપાડવાના આરોપમાં પ્રાથમિક તપાસ સંબંધમાં ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અનિલ દેસાઇ મુંબઇ પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ (ઇઓડબ્લ્યુ) સમક્ષ મંગળવારે હાજર થયા હતા.
રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાના પદાધિકારીએ આ પ્રકરણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ અનુસાર શિંદે જૂથને ચૂંટણી પંચે અસલી શિવસેના તરીકે જાહેર કર્યા બાદ પણ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાએ પાર્ટી ફંડમાંથી રૂ. 50 લાખ ઉપાડી લીધા હતા.
પાર્ટી ફંડમાંથી પૈસા ઉપાડવામાં કથિત છેતરપિંડી અથવા ફોર્જરી થઇ છે કે કેમ તેની તપાસ કરી રહેલી ઇઓડબ્લ્યુએ દેસાઇને સમન્સ પાઠવ્યા હતા.
આથી પાર્ટી વતી દેસાઇ દક્ષિણ મુંબઈમાં પોલીસ કમિશનર કાર્યાલયમાં ઇઓડબ્લ્યુના અધિકારીઓ સમક્ષ મંગળવારે સવારે 10.45 વાગ્યે હાજર થયા હતા.
ઇઓડબ્લ્યુની ઓફિસમાં જવા પૂર્વે દેસાઇએ જણાવ્યું હતું કે અમારી પાર્ટી વિશે ફરિયાદ છે અને મને પ્રાથમિક પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે.
નોંધનીય છે કે જૂન, 2022માં શિંદે દ્વારા બળવો કરાતાં શિવસેનામાં ઊભી તિરાડ પડી હતી અને તેને કારણે ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારનું પતન થયું હતું. ચૂંટણી પંચે ફેબ્રુઆરી, 2023માં જાહેર કર્યું હતું કે શિંદેની આગેવાની હેઠળની સેના જ અસલી શિવસેના છે. (પીટીઆઇ)