ખાયા પિયા કુછ નહીં, ગ્લાસ તોડા 42 કરોડ રૂપિયા

જમીન સોદાનો વિવાદ: વેચાણ દસ્તાવેજ રદ કરવા પાર્થ પવારની કંપનીએ ડબલ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડશે
પુણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પુત્ર પાર્થ પવારની કંપની દ્વારા પુણેમાં એક મોકાની જગ્યા માટે કરાયેલ વેચાણ દસ્તાવેજ રદ કરવામાં આવ્યાની જાહેરાત પછી, હવે એવું જાણવા મળ્યું છે કે અમાડિયા એન્ટરપ્રાઇઝિસ એલએલપી (પાર્થ પવારની કંપની)ને હવે આ સોદો રદ કરવા માટે ડબલ સ્ટેમ્પ ડ્યુટી એટલે કે 42 કરોડ રૂપિયા ભરવા પડશે.
રજિસ્ટ્રેશન એન્ડ સ્ટેમ્પ્સ વિભાગે પાર્થ પવારના કઝિન (મામાના દીકરા ભાઈ) અને અમાડિયા એન્ટરપ્રાઇઝિસ એલએલપીમાં ભાગીદાર દિગ્વિજય અમરસિંહ પાટીલને એવી જાણ કરી છે કે પેઢીએ અગાઉની 7 ટકા સ્ટેમ્પ ડ્યુટી (મહારાષ્ટ્ર સ્ટેમ્પ એક્ટ હેઠળ 5 ટકા સ્ટેમ્પ ડ્યૂટી તરીકે, 1 ટકા સ્થાનિક સંસ્થા કર પેટે અને 1 ટકા મેટ્રો સેસ પેટે) ચૂકવવી પડશે, કારણ કે તેણે જમીન પર ડેટા સેન્ટર પ્રસ્તાવિત હોવાનો દાવો કરીને સ્ટેમ્પ ડ્યૂટીમાંથી મુક્તિ માગી હતી.
દસ્તાવેજને રદ કરવા માટે તેણે વધારાની 7 ટકા સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવવી પડશે, એમ પણ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું. વિભાગના જણાવ્યા મુજબ, પેઢીએ વેચાણ દસ્તાવેજ સમયે સ્ટેમ્પ ડ્યુટી મુક્તિનો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે જમીન પર ડેટા સેન્ટર સ્થાપિત કરવામાં આવશે, પરંતુ હવે રજૂ કરાયેલ રદ દસ્તાવેજ દર્શાવે છે કે યોજના પડતી મૂકવામાં આવી છે, એમ તેમણે નોંધ્યું હતું.
ગુરુવારે, અમાડિયા એન્ટરપ્રાઇઝને અપસ્કેલ મુંઢવા વિસ્તારમાં 40 એકર સરકારી જમીનનો વેચાણ દસ્તાવેજ જરૂરી મંજૂરીઓના અભાવે તપાસ હેઠળ આવ્યો હતો. વિપક્ષી નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે તેની બજાર કિંમત રૂ. 1,800 કરોડ હતી.
રજિસ્ટ્રાર કાર્યાલયના ઈન્સ્પેક્ટર જનરલ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે, પિંપરી ચિંચવડ પોલીસે દિગ્વિજય પાટિલ, શિતલ તેજવાણી (જેઓ પાવર ઓફ એટર્ની દ્વારા જમીનના 272 ‘માલિકો’નું પ્રતિનિધિત્વ કરતા હતા) અને સબ-રજિસ્ટ્રાર આર. બી. તરુ સામે કથિત ગેરરીતિ અને છેતરપિંડી માટે એફઆઈઆર નોંધ્યો હતો.
અજીત પવારે શુક્રવારે એવો દાવો કર્યો હતો કે પાર્થને ખબર નહોતી કે તેમની પેઢી દ્વારા ખરીદેલી જમીન સરકારની છે, અને માહિતી આપી હતી કે રૂ. 300 કરોડનો સોદો હવે રદ કરવામાં આવ્યો છે. જોઈન્ટ સબ રજિસ્ટ્રાર, ક્લાસ-2, એ પી ફુલાવરેએ તેમના આદેશમાં જણાવ્યું હતું કે, ‘સ્ટેમ્પ ડ્યુટી 7 ટકા (મહારાષ્ટ્ર સ્ટેમ્પ એક્ટ હેઠળ પાંચ ટકા, એક ટકા સ્થાનિક સંસ્થા કર વત્તા એક ટકા મેટ્રો સેસ)ના દરે ચૂકવવી જરૂરી છે. તેથી, વેચાણ દસ્તાવેજને લગતી ખાધ સ્ટેમ્પ ડ્યુટી અને દંડ સ્ટેમ્પ કલેક્ટર, પુણે શહેરના પાસે જમા કરાવવો આવશ્યક છે અને ઉપરોક્ત દસ્તાવેજ પર યોગ્ય રીતે સ્ટેમ્પ લગાવવો આવશ્યક છે.’
આ જ પત્રમાં અધિકારીએ જણાવ્યું હતું કે ઉપરોક્ત જમીનના રદ કરવાના દસ્તાવેજને અમલમાં મૂકવા માટે પેઢીએ વધારાની 7 ટકા સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડશે. પત્રની નકલમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે દસ્તાવેજ ત્યારે જ રદ કરવામાં આવશે જ્યારે એના પર સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી દેવામાં આવશે.
પાર્થ પવાર અને તેમના કઝિન દિગ્વિજય પાટિલની સહ-માલિકીની પેઢી, અમાડિયા એન્ટરપ્રાઇઝે, 272 કથિત જમીન માલિકોનું પ્રતિનિધિત્વ કરતી પાવર ઓફ એટર્ની, શીતલ તેજવાણી સાથે કરાર કર્યો અને મુંધવામાં 40 એકર જમીન માટે રૂ. 300 કરોડમાં વેચાણ દસ્તાવેજ કર્યો.
જમીન ‘મુંબઈ સરકાર’ની માલિકીની હોવાનું બહાર આવ્યા પછી આ સોદો વિવાદમાં આવ્યો હતો અને સોદો કરતી વખતે પેઢીએ કથિત રીતે સબ-રજિસ્ટ્રાર આર.બી. તરુ સાથે સાંઠગાંઠ કરીને 7 ટકા સ્ટેમ્પ ડ્યુટી માફ કરાવી હતી. 300 કરોડ રૂપિયાના સોદા માટે 7 ટકા સ્ટેમ્પ ડ્યુટી રૂ. 21 કરોડ થાય છે.
સ્ટેમ્પ્સ અને રજિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટના જોઈન્ટ ઈન્સ્પેક્ટર જનરલ રાજેન્દ્ર મુઠેએ જણાવ્યું હતું કે આ વર્ષે મે મહિનામાં વેચાણ દસ્તાવેજના સમયે અમાડિયા દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે તેઓએ સ્ટેમ્પ ડ્યુટીમાં મુક્તિ માગી હતી, કારણ કે આ જમીન પર ડેટા સેન્ટરનો પ્રસ્તાવ છે.
‘જોકે, ચકાસણી દરમિયાન, એવું બહાર આવ્યું હતું કે આવી દરખાસ્તને મુક્તિ આપી શકાતી નથી અને તેથી, પેઢીએ રદ દસ્તાવેજ અમલમાં મૂકવા માટે અગાઉની સ્ટેમ્પ ડ્યુટી જે 7 ટકા છે અને વધારાની 7 ટકા ચૂકવવી પડશે,’ એવી માહિતી તેમણે આપી હતી.



