પત્નીને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો આરોપ: પંકજા મુંડેના પર્સનલ આસિસ્ટન્ટની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યના પર્યાવરણ પ્રધાન અને ભાજપના નેતા પંકજા મુંડેના પર્સનલ આસિસ્ટન્ટ અનંત ભગવાન ગર્જે વિરુદ્ધ પત્ની ગૌરી પાલવેને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા બદલ ગુનો દાખલ કરાયા બાદ વરલી પોલીસે ગર્જેની ધરપકડ કરી હતી.
પાલિકા સંચાલિત કેઇએમ હોસ્પિટલના ડેન્ટલ વિભાગમાં ડૉક્ટર તરીકે કામ કરનારી ગૌરી પાલવે (28) શનિવારે સાંજના વરલી વિસ્તારમાં આવેલા તેના નિવાસસ્થાને ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. ગૌરીના પિતા અશોક પાલવેએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે અનંત ગર્જે, તેના ભાઇ અજય બહેન શીતલ સામે ગુનો દાખલ કર્યો હતો.
આ પણ વાંચો: પંકજા મુંડેના પીએની પત્નીની આત્મહત્યા: પરિવારજનોએ કર્યો સતામણીનો આરોપ
દરમિયાન પોલીસે ગર્જેનું નિવેદન નોંધ્યું હતું, જેમાં ગર્જેએ જણાવ્યું હતું કે તે 31મા માળના રેફ્યુજી એરિયામાંથી 30મા માળે બારી સુધી નીચે ગયો હતો અને ત્યાંથી તેની પત્નીને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોઇ હતી.
ગર્જેના નિવેદન બાદ પોલીસે ઘટનાસ્થળની ચકાસણી કરવાનું જરૂરી માન્યું હતું. ઘરની રચનાથી લઇને રેફ્યુજી એરિયા સુધી, દરેક બાબતની સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે, કારણ પતિની હાજરી અને ઘટનાસ્થળની સ્થિતિ અંગે ઘણા પ્રશ્ર્નો અનુત્તરિત રહ્યા છે.
આ પણ વાંચો: મરાઠીમાં ન બોલવાને મુદ્દે થયેલા ઝઘડામાં ટ્રેનમાં મારપીટ કરાયા બાદ કોલેજિયને કરી આત્મહત્યા
તપાસના ભાગરૂપે સાયન હોસ્પિટલના ભૂતપૂર્વ ડીન અને અનુભવી ફોરેન્સિક નિષ્ણાત ડો. રાજેશ ઢેરેના નેતૃત્વ હેઠળની ટીમ સોમવારે સવારે વરલીના નિવાસસ્થાને ગઇ હતી અને દરેક ભાગની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.
ગૌરીના પિતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર ગૌરી અને અનંતનાં લગ્ન ફેબ્રુઆરી, 2025માં થયાં હતાં. લગ્ન બાદ બંને વચ્ચે વારંવાર ઝઘડા થવા લાગ્યા હતા અને ગૌરીને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. 3 ઑક્ટોબરે ગૌરીએ મને વ્હૉટ્સઍપ પર અમુક દસ્તાવેજો મોકલ્યા હતા, જે દર્શાવે છે કે અનંતના અન્ય મહિલા સાથે અનૈતિક સંબધ હતા.
શનિવારે સાંજે અનંતે અમને કૉલ કરીને જણાવ્યું હતું કે તમારી પુત્રીએ આત્મહત્યા કરી લીધી છે. આથી અમે અહીં આવી પહોંચ્યા હતા. ગૌરીને હોસ્પિટલમાં મૃત જાહેર કરાઇ હતી.



