આદિવાસી સગીરાના બળજબરીથી લગ્ન કરાવ્યા બાદ બળાત્કાર ગુજારાયો: પાંચ સામે ગુનો દાખલ…

પાલઘર: પાલઘર જિલ્લામાં 13 વર્ષની આદિવાસી સગીરાનાં બળજબરીથી લગ્ન કરાવ્યા બાદ તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. સગીરાએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે વરરાજા અને તેના પરિવારના પાંચ સભ્ય વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો, જેઓ અહિલ્યાનગરના રહેવાસી છે.
પોલીસના જણાવ્યા અનુસાર સગીરાના દાદાએ તેનાં લગ્ન સપ્ટેમ્બરમાં અહિલ્યાનગરના રહેવાસી સાથે કરાવ્યાં હતાં અને બાદમાં તેનું વારંવાર જાતીય શોષણ કરવામાં આવતું હતું. પરિવારજનો પણ તેને માનસિક ત્રાસ આપી રહ્યા હતા. સગીરાના બળજબરીથી લગ્ન, વારંવાર તેનું જાતીય શોષણ કરવા બદલ પરિવારના પાંચ સભ્યો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ કેસમાં અનેક અધિકારક્ષેત્રનો સમાવેશ થાય છે અને અમે આ ગંભીર ગુનામાં સામેલ આરોપીઓ સામે તાત્કાલિક પગલાં લેવા માટે તપાસને યોગ્ય રીતે કોર્ડિનેટ કરી રહ્યા છીએ, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
આ પ્રકરણે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ, પ્રોહિબિશન ઓફ ચાઇલ્ડ મેરેજ એક્ટ અને એસસી-એસટી એક્ટ (પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીસ)ની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)
આ પણ વાંચો…મહારાષ્ટ્રના પાલઘરમાં બની ચોંકાવનારી ઘટના, ટ્રેનમાંથી ફેકેલું નારિયેળ વાગતાં યુવકનું મોત



