પાલઘરમાં ગુમ થયેલી આદિવાસી બાળકી ગણતરીના કલાકોમાં મળી આવી…

પાલઘર: પાલઘર જિલ્લામાં સરકાર સંચાલિત આશ્રમશાળામાંથી ગુમ થઇ ગયેલી આઠ વર્ષની આદિવાસી બાળકી ગણતરીના કલાકોમાં ગામના એક ઘરમાંથી મળી આવી હતી, જેને બાદમાં તેના પરિવારજનોને સોંપવામાં આવી હતી.
વાડા તાલુકાના પરલી ખાતે આશ્રમશાળામાં બાળકીને તેની માતાએ છોડી હતી. બાળકીનો ભાઇ પણ આ શાળામાં અભ્યાસ કરે છે.
6 નવેમ્બરે બપોરના શાળાની પ્રિન્સિપાલે પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને જાણ કરી હતી કે બાળકી કેમ્પસમાંથી ગાયબ થઇ ગઇ છે. વાડા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર દત્તાત્રય ક્ધિદ્રેએ જણાવ્યું હતું કે બાળકી શાળામાં રહેવા માગતી નહોતી અને તે પોતાના ઘરે પાછી જવા માગતી હતી. ત્યાંના કર્મચારીઓએ સમજાવવાનો તેને પ્રયાસ કર્યો હતો, પણ તે ચૂપચાપ ત્યાંથી જતી રહી હતી.
જંગલી પ્રાણીઓ સાથેના ગાઢ જંગલો અને શાળાની આસપાસ એકાંત સ્થળોને કારણે પોલીસને બાળકીની સલામતીની ચિંતા હતી. દરમિયાન પોલીસે નજીકના વિસ્તારોમાં તપાસ શરૂ કરી હતી અને સ્થાનિકોની પૂછપરછ કરી હતી. પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ તપાસ્યા હતા. એક ફૂટેજમાં બાળકી પરલીથી વાડા તરફના રસ્તા પર એકલી ચાલતી નજરે પડી હતી.
એક વાહનના કેમેરામાં બાળકી માંડવા બોચલપાડાના ગામ તરફ જતી દેખાઇ હતી. આથી પોલીસે સ્થાનિક રહેવાસીઓ સાથે મળીને બાળકીની શોધ ચલાવી હતી અને આખરે તે ગામમાં મહિલાના ઘરમાંથી સુરક્ષિત મળી આવી હતી. (પીટીઆઇ)



