ફાર્મા કંપનીમાં નાઇટ્રોજન ગેસ લિકેજ: ચાર જણનાં મોત, બે ગંભીર

પાલઘર: પાલઘર જિલ્લામાં તારાપુર એમઆઇડીસી સાથે ફાર્માસ્યુટિકલ કંપનીમાં ગેસ લિકેજ થતાં ચાર કામગારનાં મોત થયાં હતાં, જ્યારે બે જણ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.
બોઇસર ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં મેડલી ફાર્મામાં ગુરુવારે બપોરે 2.30થી 3 વાગ્યા વચ્ચે આ ઘટના બની હતી.
પાલઘર ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના અધિકારી વિવેકાનંદ કદમે જણાવ્યું હતું કે કંપનીના યુનિટમાં બપોરે નાઇટ્રોજન રિએક્શન ટેન્કમાંથી ગેસ લિકેજ થતાં ત્યાં કામ કરી રહેલા છ કામગારને અસર થઇ હતી.
આપણ વાંચો: માહિમમાં ફૂડ સ્ટોલમાં લાગેલી આગમાં એકનું મોત: એસી-રિપેરિંગ કંપનીના માલિકની ધરપકડ
તમામને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં સાંજે 6.15 વાગ્યે ચાર જણનાં મોત થયાં હતાં. અન્ય બે જણની હાલત ગંભીર છે.
મૃતકોની ઓળખ કલ્પેશ રાઉત, બંગાલી ઠાકુર, ધીરજ પ્રજાપતિ અને કમલેશ યાદવ તરીકે થઇ હતી, જ્યારે રોહન શિંદે અને નીલેશ હદલને આઇસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)