ત્રણ દીકરીની માતાએ ચોથી જન્મેલી બાળકીનું હૉસ્પિટલમાં જ ગળું દબાવી દીધું

પાલઘર: દહાણુ નજીક બનેલી આઘાતજનક ઘટનામાં ત્રણ દીકરીની માતાએ ચોથી જન્મેલી બાળકીનું હૉસ્પિટલમાં જ ગળું દબાવી દીધું હતું. બાળકીની હત્યાના આરોપસર પોલીસે માતાની ધરપકડ કરી હતી.
પોલીસે ધરપકડ કરેલી મહિલાની ઓળખ પૂનમ શાહ (30) તરીકે થઈ હતી. પશ્ર્ચિમ બંગાળમાં રહેતી શાહ પ્રસૂતિ માટે દહાણુના લોણીપાડા ખાતે પિયરમાં રહેવા આવી હતી.
આપણ વાંચો: અમેરિકામાં ભારતીય મૂળની માતાએ 11 વર્ષના પુત્રને પહેલા ડિઝનીલેંડ ફેરવ્યો, પછી ગળું દબાવી કરી હત્યા
દહાણુ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર દાદાસાહેબ ગુટૂખડેએ જણાવ્યું હતું કે ત્રણ દીકરી હોવાથી મહિલા અગાઉથી જ ડિપ્રેશનમાં હતી એમાં તેણે ચોથી બાળકીને જન્મ આપ્યો હતો.
શનિવારની રાતે સરકારી હૉસ્પિટલમાં જ શાહે બાળકીનું ગળું દબાવી તેનો જીવ લીધો હતો. બાળકીને મૃત અવસ્થામાં જોઈ હૉસ્પિટલના સ્ટાફે પોલીસને જાણ કરી હતી. બાળકીનું કુદરતી મૃત્યુ ન હોવાની શંકા હૉસ્પિટલ દ્વારા વ્યક્ત કરાઈ હતી.
પ્રાથમિક પૂછપરછમાં માતાએ જ પુત્રીનું ગળું દબાવ્યાનું જણાતાં તેની ધરપકડ કરાઈ હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. (પીટીઆઈ)