આઠ વર્ષની બાળકીની બળાત્કાર બાદ હત્યા: ભૂતપૂર્વ સરપંચના પુત્રની ધરપકડ
પાલઘર: બહેનપણીના જન્મદિનની પાર્ટીમાં ગયેલી આઠ વર્ષની બાળકી સાથે કથિત દુષ્કર્મ કર્યા પછી તેની હત્યા કરવામાં આવી હોવાની ઘટના પાલઘર જિલ્લામાં બની હતી. આ કેસમાં પોલીસે ભૂતપૂર્વ સરપંચના 21 વર્ષના પુત્રની ધરપકડ કરી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર બાળકી પરિવાર સાથે મોખાડા તાલુકાના એક ગામમાં રહેતી હતી. રવિવારે બહેનપણીના જન્મદિનની પાર્ટીમાં ગયેલી બાળકી રાતે ઘરે પાછી ફરી નહોતી.
બાળકીના પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. મોડી રાતે બાળકીનો મૃતદેહ ગામની દફનભૂમિમાંથી મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલમાં મોકલી પોલીસે તપાસ હાથ ધરી હતી, એમ મોખાડા પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર પ્રેમનાથ ઢોલેએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : Election: ટિકિટ નહીં મળતા પાલઘરના નેતા શ્રીનિવાસ વનગા ‘ડિપ્રેશન’માં, પરિવારના લોકો ચિંતામાં…
અધિકારીના જણાવ્યા મુજબ પોલીસની ટીમ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી હતી. ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી પોલીસે મંગળવારે આરોપીને તાબામાં લીધો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે રવિવારે આરોપીએ બાળકીનો પીછો કર્યો હતો. બાદમાં રાતે દુષ્કર્મ કરી બાળકીની હત્યા કરી હતી.
આરોપીની માતા અગાઉ સ્થાનિક વિસ્તારની નગરસેવિકા રહી ચૂકી છે. આ પ્રકરણે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 65(2) અને 66 તેમ જ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. (પીટીઆઈ)