મહારાષ્ટ્ર
ડ્રેનેજ પ્રોજેક્ટના વિવાદમાં રહેવાસીઓને તેમના ઘરમાં બંધ કરી દેવાયા

પાલઘર: પાલઘર જિલ્લામાં ડ્રેનેજ પ્રોજેક્ટના વિવાદમાં સ્થાનિક પંચાયતના પદાધિકારીઓએ એક ઇમારતના રહેવાસીઓને તેમના ઘરમાં બંધ કરી દીધા હતા.
પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં કાસા વિસ્તારની એક ઇમારતના રહેવાસીએ આક્ષેપ કર્યો હતો કે નાયબ સરપંચ અને અન્ય બે જણે 20 ઑક્ટોબરે કેટલાક રહેવાસીઓને ફ્લેટને બહારથી લૉક કરી દીધા હતા, જેથી તેઓ બહાર આવી શક્યા નહોતા.
અન્ય પડોશીઓએ બાદમાં દરમિયાનગીરી કરીને રહેવાસીઓને બહાર કાઢ્યા હતા, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
ઇન્સ્પેક્ટર અવિનાશ માંડલેએ જણાવ્યું હતું કે અમે ફરિયાદીને તેનું નિવેદન નોંધવા માટે બોલાવ્યો છે. જો પ્રથમદર્શી કેસ સ્થાપિત થાય તો ગુનો દાખલ કરવામાં આવશે અને આકરા પગલાં લેવામાં આવશે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે રહેવાસીઓ અને પંચાયત વચ્ચે ડ્રેનેજ લાઇનના પ્રોજેક્ટના કારણે વિવાદ થયો હતો. (પીટીઆઇ)



