કોર્ટે પચીસ વર્ષ જૂના લૂંટના પ્રયાસના કેસમાં બે જણને નિર્દોષ જાહેર કર્યા

પાલઘર: પાલઘર જિલ્લાની કોર્ટે પચીસ વર્ષ જૂના લૂંટના પ્રયાસના કેસમાં બે જણને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા. એડિશનલ સેશન્સ જજ એચ.એ.એસ. મુલ્લાએ પંદર ઑક્ટોબરે આ આદેશ આપ્યો હતો.
કોર્ટના દસ્તાવેજો મુજબ વસઇના માણિકપુર પોલીસ સ્ટેશનની પેટ્રોલિંગ ટીમને એપ્રિલ, 2000માં માહિતી મળી હતી કે પાંચથી છ વ્યક્તિ લૂંટની યોજના બનાવી રહ્યા છે.
આથી પોલીસ ટીમે ટેમ્પોને આંતર્યો હતો અને તેમાં હાજર સુનીલ ઉર્ફે ક્ધહૈયા સખારામ અગ્રવાલને તાબામાં લીધો હતો, જ્યારે અન્ય આરોપી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે ટેમ્પોમાંથી ચાકુ, રોકડ તથા અન્ય મતા જપ્ત કરવામાં આવી હતી.
આપણ વાચો: ડબલ મર્ડર કેસ: પુરાવાના અભાવે રાજસ્થાની દંપતી નિર્દોષ જાહેર
.પોલીસે આ કેસમાં સુનીલ ઉર્ફે ક્ધહૈયા, નડાસિંહ નગરસિંહ, મંદિરસિંહ નગરસિંહ સહિત અન્યો વિરુદ્ધ આરોપનામું દાખલ કર્યું હતું. નડાસિંહનું બાદમાં મૃત્યુ થયું હતું.
કોર્ટે જણાવ્યું હતું કે તમામ પ્રયાસો છતાં બે આરોપીનો કોઇ પત્તો લાગ્યો નહોતો. નડાસિંહનું મૃત્યુ થતાં તેની સામેનો કેસ બંધ કરવામાં આવ્યો હતો, જ્યારે અગ્રવાલ અને મંદિરસિંહ પર કેસ ચાલી રહ્યો હતો.
કોર્ટે નોંધ્યું હતું કે તપાસકર્તા પક્ષના પુરાવા તેમના ગુના, ખાસ કરીને લૂંટ ચલાવવાના ઇરાદાને સાબિત કરવા માટે પૂરતા નથી. કોર્ટે બાદમાં બંને જણને નિર્દોષ જાહેર કર્યા હતા. (પીટીઆઇ)



