ઓવૈસીનો યુ-ટર્ન: સોલાપુરથી નહીં લડે ચૂંટણી, કૉંગ્રેસને ફાયદો?

મુંબઈ: લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન યોજવામાં આવ્યું હોવા છતાં હજી સુધી અનેક પક્ષોએ પોતાના ઉમેદવાર ચૂંટણી લડવા ઉતારવા કે નહીં એ નક્કી કરવા અંગે અસમંજસમાં જણાય છે અથવા તો એક કે બીજી રીતનું રાજકારણ રમાઇ રહ્યું હોવાનું દેખાય છે.
અસદુદ્દીન ઓવૈસીના પક્ષ એઆઇએમઆઇએમ(ઑલ ઇન્ડિયા મજલીસ-એ-ઇત્તેહાદુલ મુસલમીન)ની પણ મહારાષ્ટ્રમાં એવી જ હાલત જણાઇ રહી છે. હાલમાં જ ઓવૈસીએ ઔરંગાબાદમાં રેલી યોજી ત્યારે મહાયુતિ ઉપરાંત મહાવિકાસ આઘાડી પર પણ નિશાન સાધ્યું હતું.
તેમણે પોતાના ભાષણમાં કહ્યું હતું કે બે શિવસેના, બે એનસીપી, એક ભાજપ અને એક કૉંગ્રેસ આમ જ પક્ષ મળીને મારા પક્ષના ઇમ્તિયાઝ જલીલને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે તે જાણે છે કે તે ઇમ્તિયાઝ જલીલનો મુકાબલો નહીં કરી શકે. જોકે, આ નિવેદન બાદ ઓવૈસીએ સોલાપુર બેઠક પરથી ચૂંટણી લડવાનો વિચાર માંડી વાળ્યો હોવાનું જણાયું છે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં એઆઇએમઆઇએમએ અકોલા બેઠક પર વંચિત બહુજન આઘાડીને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. જોકે, હવે સોલાપુર બેઠક પરથી પણ તેમણે પોતાનો ઉમેદવાર ઊભો ન કરવાનો ફેંસલો લીધો છે.
અહીં બેઠક પરથી કૉંગ્રેસ તરફથી ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સુશીલકુમાર શિંદેની પુત્રી પ્રણીતી શિંદે ઉમેદવાર છે. જ્યારે ભાજપે અહીંથી રામ સાતપુતેને ઉમેદવારી સોંપી છે. 2014 અને 2019માં આ બેઠક પર ભાજપનો વિજય થયો હતો. જ્યારે 2009માં સુશીલકુમાર શિંદેએ અહીં જીત હાંસલ કરી હતી.