એમએસઇડીસીએલના વીજ દરમાં ફેરફાર કરવાના પ્રસ્તાવનો વિરોધઃ કંપનીએ કરી સ્પષ્ટતા

મુંબઈઃ મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિ. (એમએસઇડીસીએલ)એ મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (એમઇઆરસી) પાસે આગામી પાંચ વર્ષ માટે વીજળી દરમાં સુધારો કરવાની માગણી કરી છે. દિવસ દરમિયાન વીજળીના વપરાશ માટે વધારાની છૂટ આપવાની સાથે ઘરેલુ, ઔદ્યોગિક અને કમર્શિયલ ગ્રાહકો માટે વીજળીના દર ઓછા કરવાનો એમએસઇડીસીએલએ પ્રસ્તાવ મૂક્યો છે.
આમ છતાં આ અરજી અંગેનો ખોટો વીડિયો જાહેર થયો છે જેમાં ગ્રાહકોને આ પ્રસ્તાવનો વિરોધ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. એમએસઇડીસીએલના સૂત્રોએ વીડિયોમાં કરવામાં આવેલા દાવાને નકારી કાઢ્યા હતા અને સ્પષ્ટતા કરી હતી કે આ વીડિયો લોકોને ગેરમાર્ગે દોરનારો છે તથા તેમના પ્રસ્તાવ ગ્રાહકોના હિતમાં છે.
પાંચ વર્ષ માટે વીજળીના દર ઘટાડા માટેનો પ્રસ્તાવ
એક વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે વીજળીના દરમાં કરવામાં આવનારા ફેરફારો ગ્રાહકો પર આડઅસર કરશે, પરંતુ કંપનીના સૂત્રોએ કહ્યું હતું કે આગામી પાંચ વર્ષ માટે વીજળીના દર ઘટાડા માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. ઓછી આવક ધરાવતા ગ્રાહકોને પણ હવે વધુ બીલ આવશે એવો દાવો પણ વીડિયોમાં કરવામાં આવ્યો છે, પરંતુ કંપનીએ સ્પષ્ટતા કરી હતી કે ઘરેલુ ગ્રાહકોને કોઇ અસર થશે નહીં.
આ પણ વાંચો…પાટનગરમાં PM Modi અને Sharad Pawar મંચ પર એકસાથે જોવા મળ્યા, રાજકારણ ગરમાયું
તો હંગામી કનેક્શન પૂરું પાડવામાં આવશે
ઘરના રિનોવેશન દરમિયાન લેવામાં આવતા હંગામી કનેકશન પર કરાતી ચિંતા અંગે કંપનીએ સ્પષ્ટતા કરી હતી કે જે ગ્રાહકો મહિનામાં 500 યુનિટ જેટલી વીજળીનો ઉપયોગ કરે છે તેમને ડોમેસ્ટિક રેટ પર પર વીજળી પૂરી પાડવામાં આવશે. તેમ છતાં જો સંપૂર્ણ રીતે જ ઘર તોડી પાડવામાં આવ્યું હોય તો એલટી-2 કેટગરી હેઠળ હંગામી કનેકશન પૂરું પાડવામાં આવશે.
વીજ વાપરનારાને સ્ટાન્ડર્ડ રેટ પર આવશે બિલ
આ સિવાય વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે 100 યુનિટ કરતા વધુ સોલાર વીજળીનો ઉપયોગ કરતા ગ્રાહકોને વધુ બીલ આવશે, પણ કંપનીનું કહેવું થે કે સ્મોલ-સ્કેલ સોલાર પાવર ગ્રાહકોને સબસિડીને કારણે કોઇ બિલ નહીં આવે, પરંતુ વધુ વીજળી વાપરનારાઓને સ્ટાન્ડર્ડ રેટ પર બિલ આવશે.