મહારાષ્ટ્રના ભાજપના પ્રધાનની ‘સર્વેલન્સ’ ટિપ્પણી: નવો વિવાદ સર્જાયો…

નાગપુર: મહારાષ્ટ્રના મહેસૂલ ખાતાના પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા ચંદ્રશેખર બાવનકુળેની વોટ્સએપ ગ્રુપ્સની ‘સર્વેલન્સ’ અંગેની ટિપ્પણી પર વિરોધ પક્ષે જોરદાર પ્રતિક્રિયાઓ આપી છે, જેમાં શિવસેના-યુબીટીના સાંસદ સંજય રાઉતે બાવનકુળેની ધરપકડની માગણી કરી નાખી છે.
‘દરેકના વોટ્સએપ ગ્રુપ પર દેખરેખ રાખવામાં આવી રહી છે. તમે જે પણ શબ્દ બોલો છો તેના પર નજર રાખવામાં આવી રહી છે,’ એમ બાવનકુલેએ ગુરુવારે ભંડારા જિલ્લામાં પાર્ટી કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું. આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ પહેલા પાર્ટીના કાર્યકરોના મોબાઇલ ફોન અને વોટ્સએપ ગ્રુપ પર નજર રાખવામાં આવી રહી છે.
તેમણે બેદરકારીભરી ટિપ્પણીઓ કરવાથી અથવા કોઈપણ પ્રકારના બળવામાં સામેલ થવા સામે ચેતવણી પણ આપી હતી.
બાવનકુળેની ધરપકડની માગણી કરતા રાઉતે એવો દાવો કર્યો હતો કે ઘણા વિપક્ષી નેતાઓના ફોન પણ આ રીતે ટેપ કરવામાં આવી રહ્યા છે.
‘બાવનકુળે સામે ભારતીય ટેલિગ્રાફ એક્ટ હેઠળ ગુનો નોંધવો જોઈએ,’ એમ રાઉતે કહ્યું હતું. ‘શું તેમણે પેગાસસ જેવું સર્વેલન્સ મશીન મેળવ્યું છે,’ એવો સવાલ પણ તેમણે બાવનકુળેને કર્યો હતો. શુક્રવારે આ સમગ્ર વિવાદ પર ખુલાસો કરતાં બાવનકુળેએ કહ્યું હતું કે, ‘અમારી પાર્ટીમાં, અમારા કાર્યકરો સાથે દૈનિક વાતચીત વોટ્સએપ ગ્રુપ દ્વારા થાય છે અને તેથી જ મેં તે ટિપ્પણીઓ કરી છે.’
‘સંજય રાઉતે તેની (અમારી પાર્ટીના કાર્યકર્તાઓની વાતોની) ચિંતા શા માટે કરવી જોઈએ? તમે અમારી પાર્ટી કેવી રીતે ચલાવવી તે નક્કી કરનાર કોણ છે,’ એવો સવાલ બાવનકુળેએ કર્યો હતો. ‘આ મુદ્દો ફક્ત ભાજપ સાથે સંબંધિત નથી, પરંતુ મહારાષ્ટ્રના તમામ વિપક્ષી નેતાઓના ફોન પણ આ રીતે ટેપ કરવામાં આવી રહ્યા છે. તેમના વોટ્સએપ જોવામાં આવી રહ્યા છે.
આ વાતની કબૂલાત હવે ચંદ્રશેખર બાવનકુળે દ્વારા કરવામાં આવી છે. ચંદ્રશેખર બાવનકુળે, રવીન્દ્ર ચવ્હાણ અને મુંબઈના કેટલાક બિલ્ડરો અને નાગપુરની કેટલીક એજન્સીઓએ ભેગા થઈને વોર રૂમ શરૂ કર્યો છે. તેના માધ્યમથી શિંદે જૂથના નેતાઓના ફોન પણ દેખરેખ હેઠળ છે, એવો સનસનાટીપૂર્ણ આરોપ સંજય રાઉતે કર્યો હતો.

ચંદ્રશેખર બાવનકુળેએ શું કહ્યું હતું?
એક કાર્યક્રમમાં બોલતા રાજ્યના મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ જણાવ્યું હતું કે, ‘ભંડારામાં કાર્યકર્તાઓના મોબાઇલ ફોન અને વોટ્સએપ ગ્રુપ પર નજર રાખવામાં આવી છે. તમારા મોબાઇલ ફોન પરનું એક ખોટું બટન આગામી પાંચ વર્ષ બરબાદ કરી દેશે. ચૂંટણી માટે ઉમેદવારી ન મળવાના ગુસ્સામાં કાર્યકર્તા કે પદાધિકારી તમાશો કરે છે, પરંતુ હવે જો કોઈ કાર્યકર્તા બળવો કરે છે, તો તે કાર્યકર્તા માટે નેતાગીરીના દરવાજા બંધ થઈ જશે,’ એમ ચંદ્રશેખર બાવનકુળેએ ચેતવણીના સૂરમાં જણાવ્યું હતું.



