મહારાષ્ટ્ર

‘શહેરી નક્સલીઓ’ને વારી યાત્રા સાથે જોડતી વિધાનસભ્યની ટિપ્પણી સામે વિપક્ષનો વિરોધ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: શિવસેનાના વિધાનસભ્ય મનીષા કાયંદેની ટિપ્પણી સામે ગુરુવારે મહારાષ્ટ્ર વિધાન ભવનના પગથિયા પર વિપક્ષે વિરોધ પ્રદર્શન કર્યું હતું કાયંદેએ એવો દાવો કર્યો હતો કે ‘શહેરી નક્સલીઓ’એ પંઢરપુરની વાર્ષિક વારી યાત્રામાં ઘૂસણખોરી કરી છે.

વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવે, કોંગ્રેસના વિધાનસભા પક્ષના નેતા વિજય વડેટ્ટીવાર અને એનસીપી (એસપી)ના નેતા જીતેન્દ્ર આવ્હાડ સહિત વિરોધીઓએ બંધારણની નકલો હાથમાં રાખી હતી અને ધાર્મિક પરંપરાને બદનામ કરવા બદલ સરકારની ટીકા કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા.

તેઓએ સરકાર પર અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવાનો અને મંદિર નગરી પંઢરપુરની પવિત્ર અષાઢી વારીની વાર્ષિક યાત્રામાં ભાગ લેનારા ભક્તોને નિશાન બનાવીને સમાજને વિભાજીત કરવાનો આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં વારકરીઓની પાલખી સરઘસો માટે ટોલ મુક્તિ

તેમણે એવો દાવો કર્યો હતો કે કાયંદેની ટિપ્પણીઓ પાયાવિહોણી, ગેરમાર્ગે દોરનારી અને લાખો ‘વારકરીઓ’ (ભગવાન વિઠ્ઠલના ભક્તો) દ્વારા દર વર્ષે કરવામાં આવતી આધ્યાત્મિક યાત્રાનું રાજકીયકરણ કરવાનો પ્રયાસ છે.

વિપક્ષી નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે આવી ટિપ્પણીઓ વારીની ઊંડા મૂળવાળી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરંપરાનું અપમાન કરવાનો અને વિખવાદ પેદા કરવાનો પ્રયાસ છે.

‘આ ફક્ત વારી પર હુમલો નથી, પરંતુ મહારાષ્ટ્રની સાંસ્કૃતિક ઓળખ પર હુમલો છે. સરકારે તાત્કાલિક ટિપ્પણીઓ પાછી ખેંચી લેવી જોઈએ અને વારી સમુદાયની માફી માંગવી જોઈએ,’ એમ શિવસેના (યુબીટી)ના નેતા દાનવેએ જણાવ્યું હતું.
ઉપલા ગૃહના નોમિનેટેડ સભ્ય કાયંદેએ બુધવારે વિધાન પરિષદમાં એવો દાવો કર્યો હતો કે ‘શહેરી નક્સલીઓ’ વારી વાર્ષિક યાત્રામાં ઘૂસી ગયા છે અને ‘વારકરીઓને’ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો: પંઢરપુરના વિઠ્ઠલ-રુક્મિણી મંદિરમાંથી ૩૧૪ ઘરેણાં પગ કરી ગયાં

તેમણે એમ પણ કહ્યું હતું કે, ભૂતકાળમાં એવી ઘટનાઓ બની હતી જ્યાં વારી દરમિયાન માંસના ટુકડા ફેંકવામાં આવ્યા હતા. પ્રખ્યાત વારકરી સંપ્રદાયના નેતા બંદાતાત્યા કરાડકરે આવા કૃત્યો સામે વાંધો ઉઠાવ્યો હતો.

તેમણે મહાયુતિ સરકારને વારીની પવિત્રતા જાળવવા માટે તાત્કાલિક પગલાં લેવાની વિનંતી કરી હતી.
કાયંદેએ કહ્યું હતું કે ભાજપની આગેવાની હેઠળની સરકાર મહારાષ્ટ્ર જાહેર સુરક્ષા બિલ રજૂ કરવા માટે તૈયાર છે, જેનો હેતુ ખાસ કરીને આવા વિક્ષેપકારક તત્વોને કાબૂમાં લેવાનો છે.

શિવસેનાના વડા અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે કહ્યું હતું કે સરકારે વિધાનસભ્ય દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દા પર ધ્યાન આપ્યું છે અને તપાસ માટે ગૃહ વિભાગને યોગ્ય નિર્દેશો આપવામાં આવશે.

ગૃહ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન યોગેશ કદમે એમ પણ કહ્યું હતું કે, તેમને ‘શહેરી નક્સલીઓ’ દ્વારા સમાજને વિભાજીત કરવાના પ્રયાસો અંગે ફરિયાદો મળી છે અને સરકાર આ બાબતની તપાસ કરશે તેવી ખાતરી આપી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button