વિપક્ષે મહારાષ્ટ્ર સરકાર પર ચામુંડી ફેક્ટરી મેનેજમેન્ટને વિસ્ફોટ કેસમાં છાવરવાનો આરોપ લગાવ્યો

મુંબઈ: વિપક્ષ કોંગ્રેસે મંગળવારે મહારાષ્ટ્ર સરકાર પર નાગપુર જિલ્લામાં ચામુંડી એક્સપ્લોસિવ્સ પ્રાઈવેટ લિમિટેડના મેનેજમેન્ટને બચાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગયા મહિને અહીં થયેલા વિસ્ફોટમાં નવ લોકોનાં મોત થયાં હતાં. રાજ્યના પ્રધાન દ્વારા વિધાન પરિષદમાં એવું નિવેદન કર્યું હતું કે ગૃહ વિભાગના જણાવ્યા મુજબ દોષી ફેક્ટરી સામે સદોષ મનુષ્યવધનો ગુનો દાખલ કરી શકાય એમ નથી.
વિધાન પરિષદના ઉપાધ્યક્ષ નીલમ ગોરેએ બાદમાં રાજ્ય સરકારને રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્રમાં ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટનો વિગતવાર અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
વિપક્ષે ચામુંડી ફેક્ટરીના મેનેજમેન્ટ સામે સદોષ મનુષ્યવધના આરોપોને લાગુ કરવામાં રાજ્યના શ્રમ વિભાગની નિષ્ફળતા પર સવાલ ઉઠાવ્યા. શ્રમખાતાના પ્રધાન સુરેશ ખાડેએ જણાવ્યું હતું કે, મારા વિભાગે રાજ્યના ગૃહ વિભાગ સાથે પૂછપરછ કરી હતી કે શું ફેક્ટરી મેનેજમેન્ટ સામે સદોષ મનુષ્યવધના આરોપો લાગુ કરી શકાય છે. પરંતુ ગૃહ વિભાગે અમને જાણ કરી હતી કે આવા કોઈ આરોપો લાગુ કરી શકાય નહીં.
આ પણ વાંચો : Mumbai માં ભારે વરસાદથી જનજીવનને અસર, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું, બીએમસી હેલ્પલાઇન શરૂ કરી
ખાડેએ આ નિવેદન કર્યા પછી કોંગ્રેસના વિધાનસભ્યો સતેજ પાટીલ અને અભિજિત વંજારીએ એવો આક્ષેપ કર્યો હતો કે રાજ્ય સરકાર ફેક્ટરી મેનેજમેન્ટને બચાવતી હોય તેવું લાગે છે. ખાડેએ તેમના પ્રશ્ર્નોના જવાબ આપીને તેમને શાંત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓએ તેમનો ખુલાસો સ્વીકારવાનો ઇનકાર કર્યો. ડેપ્યુટી ચેરપર્સન ગોરેએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પુણે શહેર નજીક મુલશીમાં એક ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. તે કિસ્સામાં પોલીસે તેના મેનેજમેન્ટ સામે સદોષ મનુષ્યવધના આરોપો લગાવ્યા હતા. એવા અસંખ્ય ઉદાહરણો છે કે જ્યાં મેનેજમેન્ટને કામદારો અથવા કર્મચારીઓના મૃત્યુ માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા.
ખાડે બાદમાં ગૃહ વિભાગ સાથે ફરીથી આ જ બાબત ઉઠાવવા સંમત થયા હતા. ગોરેએ મંત્રાલયને વિધાનસભાના શિયાળુ સત્રમાં ચામુંડી ફેક્ટરી વિસ્ફોટ અંગે વિગતવાર અહેવાલ રજૂ કરવા જણાવ્યું હતું. નાગપુર શહેરથી લગભગ 25 કિમી દૂર હિંગણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ધમના ગામમાં 13 જૂને ચામુંડી ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો. મૃતકોમાં છ મહિલાઓનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું કે જ્યારે વિસ્ફોટ થયો ત્યારે મોટાભાગના પીડિતો ફેક્ટરીના પેકેજિંગ યુનિટમાં કામ કરી રહ્યા હતા. પોલીસે ફેક્ટરીના ડિરેક્ટર જય શિવશંકર ખેમકા (49) અને મેનેજર સાગર દેશમુખની ધરપકડ કરી હતી. (પીટીઆઈ)