મહારાષ્ટ્ર

વિરોધીઓને ખોટા નેરેટિવ ફેલાવવાની તક ન મળવી જોઈએ: એકનાથ શિંદે

મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શનિવારે કહ્યું હતું કે આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારી માટે મહાયુતિ સરકારે સાથે મળીને કામ કરવું જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે વિપક્ષોને ખોટા નિવેદનો (નેરેટિવ) ફેલાવીને મોટો સ્કોર કરવાની કોઈ તક ન મળે.

શિંદેએ વિધાનસભા ચૂંટણી પહેલાં સરકારની યોજનાઓ અંગે આયોજિત કરવામાં આવેલી ગઠબંધનના પદાધિકારીઓની રાજ્ય-સ્તરની બેઠકમાં હાજરી આપતાં આ ટિપ્પણી કરી હતી. આ બેઠકમાં તેમના બે ડેપ્યુટીઓ અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા.

રૂ. 96,000 કરોડની લોકપ્રિય યોજનાઓ જેમ કે લાડકી બહેન લોન્ચ કરીને શિંદેએ કહ્યું કે તેમણે વિધાનસભાની ચૂંટણી જીતવા માટેનો પાયો નાખ્યો છે અને વિરોધીઓ માટે જોખમ ઊભું થયું છે.
મહાયુતિ ત્રણેય નેતાઓએ ચૂંટણીમાં સંયુક્ત લડાઈ આગળ મૂકવાની વાત કરી હતી. તેઓએ પાર્ટી કાર્યકર્તાઓને ચેતવણી પણ આપી હતી કે તેઓ એક બીજા વિરુદ્ધ ન બોલે નહીં તો આકરાં પરિણામો ભોગવવા પડશે.

આ પણ વાંચો : કેટલા દિવસ નાના બાળકની જેમ પાર્ટી ચોરી કહીને રડશો? એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરેને સવાલ

લોકસભા ચૂંટણી પ્રચારમાં આપણે જે કામ કર્યું હતું તે મતદારોને આપણે અસરકારક રીતે સમજાવી શક્યા નહોતા. હવે સમય આવી ગયો છે કે આપણે આક્રમક રીતે આપણી યોજનાઓ અને કામગીરીની માહિતી મતદારો સુધી લઈ જઈએ. સરકાર દ્વારા બજેટમાં અને છેલ્લાં બે વર્ષમાં જાહેર કરાયેલી યોજનાઓ સમાજના લગભગ તમામ વર્ગોને આવરી લે છે. મહારાષ્ટ્રના લોકોને આપણે તેમના માટે શું કર્યું છે તે યાદ અપાવવાની તમારી જવાબદારી છે એમ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું.

ફડણવીસે કાર્યકર્તાઓને એમ પણ કહ્યું કે તેઓએ મહાયુતિની 24 મોટી યોજનાઓ એક પુસ્તિકાના સ્વરૂપમાં સંકલિત કરીને લોકો સુધી પહોંચાડવી પડશે.
શિંદેએ કહ્યું કે ત્રણેય પક્ષોના કાર્યકર્તાઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે મહાયુતિની સરકાર ચૂંટણી જીતશે તો જ સત્તાનો લાભ મળી શકશે.

વિપક્ષ દ્વારા વિવિધ પ્રકારના ખોટા નેરેટિવનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તે લઘુમતીઓ અથવા ચોક્કસ સમુદાયો સાથે સંબંધિત બાબતો હતી જેનો વિપક્ષોએ ખોટી રીતે અપપ્રચાર કર્યો. તે સમયે આપણે તેમને ગંભીરતાથી લીધા નહીં, સંતુષ્ટ રહ્યા અને તેનો સામનો કરવાની તસ્દી લીધી નહીં. પરંતુ આપણે હવે તેમનો અસરકારક રીતે સામનો કરવો પડશે. આપણી સરકાર દ્વારા શરૂ કરાયેલી યોજનાઓથી તમામ સમુદાયો અને ધર્મોના લોકોને ફાયદો થયો છે અને તેનો અસરકારક રીતે પ્રચાર થવો જોઈએ, એમ શિંદેએ જણાવ્યું હતું.

લોકસભાની ચૂંટણીમાં નબળા દેખાવ પછી મહાયુતિએ ચોક્કસ સુધારાત્મક પગલાં લીધાં છે અને બજેટમાં શરૂ કરાયેલી લોકપ્રિય યોજનાઓ તેનો એક ભાગ છે.
બજેટમાં જાહેર કરાયેલી કેટલીક યોજનાઓમાં 35 લાખથી વધુ મહિલાઓ માટે દર મહિને રૂ. 1,500નો રોકડ લાભ, વર્ષમાં ત્રણ મફત સિલિન્ડર અને 10 લાખ યુવાનો માટે એપ્રેન્ટિસશિપ સાથેની યોજનાનો સમાવેશ થાય છે.
સરકારે ખેડૂતો, વારકરીઓ, યુવાનો અને મહિલાઓ માટે વિવિધ રોકડ-લાભ યોજનાઓની પણ જાહેરાત કરી છે અને આ યોજનાઓ તેમને વિધાનસભાની ચૂંટણીમાં સારું વળતર અપાવી શકે છે, એમ ગઠબંધનના સાથીઓએ વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button