ઓપરેશન સિંદૂર અંગે પહલગામના પીડિત ડોંબિવલીના પરિવારે આપી જોરદાર પ્રતિક્રિયા, હવે મને શાંતિ મળી…

મુંબઈ: ભારતીય હવાઇ દળ દ્વારા પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)માં આતંકવાદીઓના અડ્ડા પર કરાયેલા હુમલા ‘ઓપરેશન સિંદૂર’ની પ્રશંસા કરતા પહલગામ હુમલામાં પિતા અને બે અંકલને ગુમાવનાર હર્ષલ લેલેએ જણાવ્યું હતું કે હવે મને શાંતિ મળી અને મારા પિતાની આત્માને પણ શાંતિ મળશે.
પહલગામમાં બાવીસમી એપ્રિલે થયેલા હુમલામાં હર્ષલની નજરની સામે તેના પિતા સંજય લેલે તથા બે અંકલ અતુલ માને અને હેમંત જોશીને આતંકવાદીઓએ ગોળી મારીને મારી નાખ્યા હતા.
‘મારા અંકલે આતંકવાદીઓને કહ્યું હતું કે ‘મને છોડી દો’, પરંતુ આતંકવાદીઓ નિર્દય હતા તેમને ગોળી મારી દીધી. મારા પિતા અને મારા અન્ય અંકલ પ્રત્યે પણ દયા દેખાડી નહોતી’, એમ ડોંબિવલીમાં પત્રકારો સાથેની વાતચીતમાં હર્ષલ જણાવ્યું હતું.
ઓપરેશન સિંદૂરથી હું બહું ખુશ થયો છું. આતંકાવદીઓના નવ સ્થળોને નષ્ટ કરવામાં આવ્યા છે. આવી વધુ કાર્યવાહી કરવામાં આવે એવી આશા છે, એમ તેણે વધુમાં જણાવ્યું હતું.
આપણ વાંચો: શરદ પવારે ઓપરેશન સિંદૂરની પ્રશંસા કરી, કહ્યું કે દુનિયામાં સંદેશ આપ્યો
અન્ય પીડિત અતુલ મોનેની પત્ની અનુષ્કા મોનેએ કહ્યું હતું કે મેં જે ગુમાવ્યું છે તે પાછું આવવાનું નથી, પરંતુ ભારતીય લશ્કર દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તે મજબૂત જવાબ છે.
જેઓએ પહલગામ હુમલામાં જીવ ગુમાવ્યા તેઓને આ ખરી શ્રદ્ધાંજલિ છે. આંતકવાદીઓએ ફક્ત લોકો પર હુમલો નહોતો કર્યો, પરંતુ ભારતની આત્મા પર હુમલો કરેલો. ભારતે તેમની જગ્યા દેખાડી દીધી છે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.