ખાણમાં વિસ્ફોટ વખતે પથ્થરો તૂટી પડતાં એકનું મોત: બે જખમી
થાણે: ખાણમાં વિસ્ફોટની કામગીરી વખતે તૂટી પડેલા પથ્થરો નીચે દબાઈ જતાં એક કર્મચારીનું મૃત્યુ થયું હતું, જ્યારે બે ગંભીર રીતે ઘવાયા હોવાની ઘટના નવી મુંબઈ ખાતે બની હતી.
પનવેલ શહેર પોલીસના જણાવ્યા મુજબ સોમવારની બપોરે બે વાગ્યાની આસપાસ પનવેલ પરિસરમાં બનેલી ઘટનામાં મૃત્યુ પામેલા શખસની ઓળખ અવિનાશ કેશવાર કુજુર (32) તરીકે થઈ હતી.
પોલીસ ફરિયાદ અનુસાર ખાણમાં બ્લાસ્ટ વખતે અમુક પથ્થરો તૂટીને કર્મચારીઓ પર પડ્યા હતા. આ ઘટનામાં ખોદકામ માટેના મશીન પર કામ કરનારા કુજુરનું માથામાં ઇજાને કારણે ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. પથ્થરો નીચે દબાઈ ગયેલા બે કર્મચારીને માથામાં ઇજા સાથે સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. કુજુરના મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં ખસેડ્યો હતો.
ખાણમાં વિસ્ફોટની કામગીરી કરાવનારા શખસ વિરુદ્ધ પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 304એ હેઠળ એફઆઈઆર નોંધ્યો હતો. વિસ્ફોટની પ્રક્રિયા દરમિયાન જરૂરી તકેદારી રાખવામાં નિષ્ફળ જવા બદલ અને કર્મચારીઓને પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ (પીપીઈ) પૂરા ન પાડવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો. (પીટીઆઈ)