Ram Mandir: રાજીવ ગાંધીના સમયે જ રામ મંદિરનો શિલાન્યાસ થઇ ગયો હતો, શરદ પવારનો દાવો
બેલગાઉં: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શ્રી રામજન્મભૂમિ ટ્રસ્ટે રામ લલ્લાના અભિષેક સમારોહમાં ભાગ લેવા રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, કેન્દ્રીય પ્રધાનો, મુખ્ય પ્રધાનો, વિપક્ષી નેતાઓ સહિત ફિલ્મ જગતની હસ્તીઓને આમંત્રણ મોકલ્યું છે. જે અંગે વાદ વિવાદ થઇ રહ્યા છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના વડા શરદ પવારે મંગળવારે કહ્યું કે ભાજપ અને આરએસએસ આ મુદ્દે રાજનીતિ કરી રહ્યા છે. શરદ પવાર કર્ણાટકના નિપાનીમાં એક જાહેર સભાને સંબોધવા ગયા હતા, જ્યાં તેમણે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું અને કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ ત્યારે થયો હતો, જ્યારે રાજીવ ગાંધી દેશના વડાપ્રધાન હતા, પરંતુ હવે ભાજપ અને આરએસએસ ભગવાન રામના નામ પર અને આ મુદ્દે રાજકારણ કરી રહ્યા છે.
રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના 11 દિવસ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ધાર્મિક વિધિઓ શરૂ કરવા પર, શરદ પવારે કહ્યું કે, “હું રામ પ્રત્યેની તેમની આસ્થાનું સન્માન કરું છું, પરંતુ જો તેમણે ગરીબી દૂર કરવા માટે ઉપવાસ કરવાનું નક્કી કર્યું હોત, તો લોકોએ તેની પ્રશંસા કરી હોત.”