માંદગીથી કંટાળી છરીથી પત્નીનું ગળું ચીરી વૃદ્ધ પતિનો આપઘાતનો પ્રયાસ

પાલઘર: લાંબી માંદગીથી કંટાળેલા વૃદ્ધ પતિએ છરી વડે પત્નીનું ગળું ચીર્યા પછી પોતે પણ કથિત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના પાલઘર જિલ્લાના વસઈ પરિસરમાં બની હતી.
વસઈમાં રહેતા 81 વર્ષના પતિ અને 74 વર્ષની પત્ની છેલ્લાં અનેક વર્ષોથી બીમારીથી પીડાતાં હતાં. માંદગીને કારણે જ દંપતી અંતિમ પગલું ભરવા પ્રેરાયા હોવાનું પોલીસનું માનવું છે.
પોલીસ ફરિયાદ અનુસાર ઘટના શનિવારની સાંજે દંપતીના ઘરમાં બની હતી. દંપતીનો પુત્ર પત્ની અને દીકરી સાથે બહાર ગયો હતો. રાતે તે પાછો ફર્યો ત્યારે ઘટના પ્રકાશમાં આવી હતી.
આપણ વાંચો: ભાવનગર સિવિલના રેસિડેન્ટ ડૉકટરે આત્મહત્યાનો પ્રયાસ કરતાં ચકચાર
પ્રથમદર્શી પોલીસને જણાયું હતું કે પતિએ રસોડામાંની છરીથી ગળું ચીરી પત્નીની હત્યા કરી હતી અને બાદમાં પોતાનું કાંડું કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પુત્ર ઘરે આવ્યો ત્યારે ઘરનો દરવાજો અંદરથી લૉક હતો. વારંવાર ખટખટાવ્યા છતાં કોઈ પ્રતિસાદ ન મળતાં દરવાજો તોડવામાં આવ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે ઘરમાં વૃદ્ધા લોહીના ખાબોચિયામાં પડેલી હતી, જ્યારે તેનો પતિ ગંભીર હાલતમાં મળી આવ્યો હતો. સારવાર માટે વૃદ્ધને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં તે જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો હોવાનું કહેવાય છે. પોલીસે વૃદ્ધાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં મોકલી તેના પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. (પીટીઆઈ)