ત્રિવેણી સંગમમાં સ્નાન દરમિયાન NSP (SP)નેતાનું નિધન
મહારાષ્ટ્રના સોલાપુરના પૂર્વ મેયર અને NSP (SP)ના નેતા મહેશ કોઠેનું મંગળવારે સવારે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કર્યા બાદ હૃદય રોગના હુમલાથી મૃત્યુ થયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર મહેશ કોઠે મંગળવારે સવારે પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરવા ગયા હતા નદીના પાણીમાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેમને તાત્કાલિક તબીબી સુવિધા કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના સવારે 7:30 વાગે ગંગા યમુના અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ પર બની હતી.
મહેશ કોઠે તેમના પત્ની અને એક પુત્રને પાછળ છોડીને ગયા છે. NSP (SP)ના વડા શરદ પવારે મહેશ કોઠેના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, મારા જુના સાથીદાર મહેશ કોઠેનું પ્રયાગરાજમાં નિધન થયું છે. મહેશ કોઠેએ સોલાપુર શહેરના સામાજિક અને રાજકીય ક્ષેત્રમાં નોંધપાત્ર અસર કરી હતી. તેમના નિધનથી સોલાપુરે એક સમર્પિત કાર્યક્રર ગુમાવ્યો છે. આ દુઃખની ઘડીમાં આપણે બધા જ કોઠે પરિવાર સાથે ઉભા છીએ. હૃદય પૂર્વકની સંવેદના.
મહેશ કોઠેના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે સોલાપુર લાવવામાં આવ્યો છે. મહેશ કોઠેએ સોલાપુર ઉત્તરથી ભાજપ પરના વિજય દેશમુખ સામે ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ હારી ગયા હતાનોંધનીય છે કે પ્રયાગરાજમાં હાલમાં તીવ્ર ઠંડી પડી રહી છે, તેમ છતાં પણ શાહી સ્નાનના અવસર પર મહાકુંભમાં લાખો લોકોએ અમૃત સ્નાનનો લહાવો લીધો હતો.