ભાજપમાં 75 વર્ષની વયમર્યાદા નહીં, રાઉત મોદીનો કાર્યકાળ નક્કી ન કરી શકે: બાવનકુળે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએે મંગળવારે કહ્યું હતું કે પાર્ટીમાં એવો કોઈ નિયમ નથી કે જેમાં કોઈ વ્યક્તિને 75 વર્ષની વયે નિવૃતી ફરજિયાત બનાવવામાં આવી હોય. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યકાળ દેશની જનતા નક્કી કરશે.
મોદીએ આરએસએસના મુખ્યાલયની મુલાકાત પોતે નિવૃત્તિ લેવાના હોવાની જાહેરાત કરવા માટે લીધી હતી એવા શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતના દાવાને રદિયો આપતાં તેમણે કહ્યું હતું કે આ નિવેદન એક રાજકીય સ્ટન્ટ કરવામાં આવ્યું છે.
ભાજપમાં એવો કોઈ નિયમ નથી કે મોદીએ 75 વર્ષની ઊંમર બાદ રાજકારણમાંથી નિવૃત્ત થઈ જવું જોઈએ. તેમ જ આવો કોઈ નિર્ણય પણ લેવામાં આવ્યો નથી, એમ બાવનકુળેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મંગળવારે જણાવ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સંજય રાઉતના દાવાને સોમવારે જ રદિયો આપી દીધો હતો.
આ પણ વાંચો: નાના પટોલેએ એકનાથ શિંદે અને અજિત પવારને મુખ્ય પ્રધાનપદની ઓફર કરી, બાવનકુળેનો કટાક્ષ…
ભાજપના ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ 79 વર્ષની ઉંમર સુધી વડા પ્રધાનપદ સંભાળ્યું હતું. મોરારજી દેસાઈએ 83 વર્ષની વય સુધી અને ડૉ. મનમોહન સિંહે 81 વર્ષની ઉંમર સુધી વડા પ્રધાનપદ સંભાળ્યું હતું. આ બધાએ 75 વર્ષની ઊંમર બાદ પણ પોતાના પદ જાળવી રાખ્યા હતા. જોકે, સંજય રાઉત ભાજપ પ્રત્યેના દ્વેષને કારણે આ બધું ભૂલી ગયા હોય એવું લાગી રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું.
ભારતીય લોકશાહીમાં વડા પ્રધાનનો કાર્યકાળ જનમત અને લોકોના સમર્થનથી નક્કી થાય છે, સંજય રાઉત જેવા લોકોના અભિપ્રાય દ્વારા નહીં, એમ તેમણે કહ્યું હતું.
આ દેશના લોકો નક્કી કરશે કે વડા પ્રધાન તરીકેનો મોદીનો કાર્યકાળ કેટલો હોવો જોઈએ, સંજય રાઉત કે પછી વિપક્ષ નહીં નક્કી કરે, એમ તેમણે કહ્યું હતું.
મોદીએ ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સપનું જોયું છે. તેમના નેતૃત્વ હેઠળ આ સપનું સાકાર થવું જોઈએ, એમ તેમણે કહ્યું હતું.