‘વિકસતી આર્થિક પરિસ્થિતિઓ’ સાથે તાલમેલ રાખવા માટે સહકાર ક્ષેત્ર માટે નવા કાયદાની જરૂર: નીતિન ગડકરી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ સોમવારે મહારાષ્ટ્ર સરકારને રાજ્યમાં સહકાર ક્ષેત્ર માટે બદલાતી આર્થિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને નવો કાયદો ઘડવા સૂચન કર્યું.
ગ્રામીણ વિસ્તારોના લોકોની નાણાકીય સ્થિતિ સુધારવામાં સહકાર ક્ષેત્ર મુખ્ય ભૂમિકા ભજવશે, એમ તેમણે જણાવ્યું હતું, અને રાજ્યની સર્વોચ્ચ સહકારી બેંક, મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંકને રાજ્યમાં સહકારી ચળવળના સામાજિક-આર્થિક પ્રભાવનો અભ્યાસ કરવા વિનંતી કરી હતી.
અહીં એક જાહેર સમારોહને સંબોધતા ગડકરીએ કહ્યું હતું કે, ‘મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનને સહકારી ક્ષેત્ર માટે સુધારેલા કાયદા લાવવા વિનંતી છે. આપણે સહકાર કાયદા અને કંપની કાયદા વચ્ચે સુવર્ણ મધ્ય શોધવો જોઈએ અને તે મુજબ નવો કાયદો ઘડવો જોઈએ.’
આપણ વાંચો: કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને શરદ પવારની મુલાકાત
‘વિકસતી આર્થિક પરિસ્થિતિઓ સાથે સુસંગત થવા માટે સહકારી સંસ્થાઓને સંચાલિત કરતા કાયદાઓમાં સુધારો કરવાની જરૂર છે,’ એમ તેમણે કહ્યું હતું. માર્ગ પરિવહન અને રાજમાર્ગ ખાતાના પ્રધાને કહ્યું હતું કે, મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંકે રાજ્યમાં સહકારી ચળવળના સામાજિક-આર્થિક પ્રભાવ પર વ્યાપક અભ્યાસ કરવો જોઈએ.
‘મહારાષ્ટ્રમાં સહકાર ચળવળના સામાજિક-આર્થિક પ્રભાવનો અભ્યાસ સમગ્ર રાજ્યમાં તાલુકા અને જિલ્લા સ્તરે થવો જોઈએ. તેમાં રોજગાર, માથાદીઠ આવક અને વિકાસ દર માપવા જોઈએ,’ એમ તેમણે કહ્યું હતું.
ક્ષેત્રો વચ્ચેના આર્થિક અસંતુલનને પ્રકાશિત કરતા ગડકરીએ કહ્યું કે જ્યારે ઉત્પાદન ક્ષેત્ર બાવીસથી ચોવીસ ટકા યોગદાન આપે છે, ત્યારે સેવા ક્ષેત્ર બાવનથી ચોપન ટકા જીડીપીમાં મહત્તમ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ઉત્પન્ન કરે છે.
આપણ વાંચો: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની ટોલ પ્લાઝા મુદ્દે મોટી જાહેરાત, કહ્યું 15 દિવસમા પોલિસી જાહેર કરાશે
તેમણે કહ્યું હતું કે કૃષિ અને ગ્રામીણ વિકાસ ક્ષેત્ર 60 ટકા વસ્તીને રોજગારી આપવા છતાં માત્ર બાર ટકા યોગદાન આપે છે. ‘ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ, નોકરીઓ અને સુવિધાઓના અભાવે મજબૂરીમાં લગભગ 30 ટકા લોકો શહેરોમાં સ્થળાંતર કરી ગયા છે,’ એમ ગડકરીએ કહ્યું હતું.
તેમણે ગ્રામીણ વસ્તીની આવક વધારવા માટે ડેરી ક્ષેત્રને એક મોડેલ તરીકે વર્ણવ્યું હતું. દૂધ ઉત્પાદનની દ્રષ્ટિએ પ્રાદેશિક અસમાનતાઓ તરફ ધ્યાન દોરતા તેમણે કહ્યું હતું કે, ‘અહિલ્યાનગર જિલ્લો પચાસ લાખ લિટર દૂધનું ઉત્પાદન કરે છે, જ્યારે કોલ્હાપુર 70-80 લાખ લિટર દૂધનું ઉત્પાદન કરે છે. આનાથી ગામડાઓમાં સમૃદ્ધિ આવી છે. જોકે, સમગ્ર વિદર્ભ ક્ષેત્રનું દૂધ ઉત્પાદન અહિલ્યાનગર જેટલું પણ નથી,’ એવો દાવો તેમણે કર્યો હતો