એનઆઈએનાં રાજ્યમાં 19 ઠેકાણે દરોડા: જૈશ-એ-મોહમ્મદ સાથે સંપર્ક બદલ ત્રણ પકડાયા
અમરાવતી: નૅશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ ગુરુવારે રાજ્યમાં 19 ઠેકાણે દરોડા પાડી પાકિસ્તાનના આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદ સાથે કડી ધરાવતા હોવાની શંકા પરથી ત્રણ જણને તાબામાં લીધા હતા. પકડાયેલા ત્રણેય જણ ભિવંડી, અમરાવતી અને છત્રપતિ સંભાજીનગરના હોવાનું જાણવા મળ્યું હતું. ત્રણ જણના પકડાવાથી મહારાષ્ટ્રમાં આતંકવાદી મોડ્યુલ કાર્યરત હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
અમુક યુવાનો પાકિસ્તાનના જૈશ-એ-મોમ્મદ સાથે સંપર્ક ધરાવતા હોવાની માહિતીને આધારે એનઆઈએએ આ કાર્યવાહી કરી હતી. મહારાષ્ટ્ર સહિત ઉત્તર પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં પણ સર્ચ ઑપરેશન હાથ ધરાયાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
મળતી માહિતી અનુસાર એનઆઈએની ટીમે ગુરુવારના મળસકે ચાર વાગ્યાની આસપાસ અમરાવતીના છાયા નગર પરિસરમાં રેઇડ કરી હતી. છાયા નગરમાંથી તાબામાં લેવાયેલા 23 વર્ષના યુવાનને નજીકના રાજાપેઠ પોલીસ સ્ટેશનમાં લઈ જવાયો હતો, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: સાણંદમાં એનઆઈએનું સર્ચ ઓપરેશનઃ મસ્જિદ અને મદરેસાની તપાસમાં એક વ્યક્તિની અટકાયત
કહેવાય છે કે એનઆઈએની ટીમે યુવાનના ઘરમાંથી અમુક દસ્તાવેજો તાબામાં લીધા હતા. આ યુવાન છેલ્લા છ મહિનાથી જૈશ-એ-મોહમ્મદના સંપર્ક હતો, એવો દાવો એજન્સી દ્વારા કરાઈ રહ્યો છે.
યુવાનોને ઉશ્કેરીને ભારતમાં આતંક ફેલાવવા તેમને તૈયાર કરવાના કાવતરાની તપાસના ભાગ રૂપે એનઆઈએ દ્વારા 19 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: એનઆઈએની મોટી કાર્યવાહીઃ જાસૂસી કેસમાં ફરાર આરોપીને મુંબઈમાંથી ઝડપ્યો
એનઆઈએની એક ટીમે સંભાજીનગરના બીડ બાયપાસ નજીકથી બાવીસ વર્ષના યુવકને તાબામાં લીધો હતો, જ્યારે બીજી ટીમે ભિવંડીના ખોણી ખાડી પાર પરિસરમાંથી 45 વર્ષના શખસને પકડી પાડ્યો હતો.
ખોણી ખાડી પાર ગ્રામપંચાયત પરિસરમાં એનઆઈએની ટીમે એક ઈમારતના પહેલા માળે રહેતા શખસને તાબામાં લીધો હતો. આ શખસ માલેગાંવનો રહેવાસી છે અને છેલ્લા અમુક સમયથી કલ્યાણની ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. તાબામાં લેવયેલા શકમંદને કમ્પ્યુટરનું સારુંએવું જ્ઞાન હોવાનું કહેવાય છે.