આત્મહત્યા કે હત્યાઃ ફલટણની મહિલા ડોક્ટરના વૉટ્સ એપ સ્ટેટ્સથી ફરી શંકા-કુશંકા…

મુંબઈઃ સાતારાના ફલટણની ઉપજિલ્લા હૉસ્પિટલની ડોક્ટર સંપદા મુંડેની આત્મહત્યાનો કેસ રોજ નવો વળાંક લે છે. અગાઉ પણ સંપદાના પરિવારે આ ઘટના મામલે શંકાઓ વ્યક્ત કરી હતી ત્યારે હવે તેના વૉટ્સ એપ સ્ટેટ્સને લીધે આત્મહત્યા કે હત્યા તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે.
મૃત્યુ બાદ ડોક્ટર ઑનલાઈન?
પીએસઆઈ ગોપાલ બાદને અને સોફ્ટવેર એન્જિનિયર પ્રશાંત બનકરને પોતાની આત્મહત્યા માટે જવાબદાર ઠેરવનારી સ્યૂસાઈડ નોટ હથેળીમાં લખી આત્મહત્યા કરનારી સંપદા મુંડેના કેસમાં એક નવી વાત બહાર આવી છે. પોસ્ટમોર્ટમના રિપોર્ટ અનુસાર સંપદાએ અડધી રાત્રે 1.30 વાગ્યા આસપાસ આત્મહત્યા કરી હતી.
જોકે પરિવારનું કહેવાનું છે કે રાત્રે દોઢ વાગ્યા બાદ પણ તે વૉટ્સ એપ પર ઓનલાઈન હતી. તેનું લાસ્ટ સિન સ્ટેટ્સ પણ દોઢ વાગ્યા પછીની અમુક કલાકો બાદનો સમય બતાવે છે. મૃત્યુ બાદ તેનો મોબાઈલ કોણ વાપરતું હતું અને તેનાં મૃત્યુ સમયે તેની આસપાસ કોઈ હાજર હતું કે શું, આ હત્યા કે પછી આત્મહત્યા વગેરે ઘણા સવાલો ઊભા થાય છે.
આ ઉપરાંત મહિલા ડોક્ટરે બે દિવસ માટે હોટેલરૂમ શા માટે બુક કરાવ્યો હતો. ખૂબ જ મહેનતી અને હોનહાર ડોક્ટર પર રાજકીય દબાણ હોવાનું બહાર આવ્યું છે. આ સાથે તેણે બદને અને બનકર પર ગંભીર આક્ષેપો કર્યા છે. બનકર સાથે તેનાં સંબંધો હોવાની વાત પણ બહાર આવી છે.
આ બધાથી કંટાળી ડોક્ટર મહિલાએ અંતિમ પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે, પરંતુ તેની આત્મહત્યા બાદ તેનો મોબાઈલ કોઈએ વાપર્યો હોવાની ખબર વળી તપાસને બીજી દિશામાં લઈ જાય તેવી સંભાવના છે.
પરિવારે કરી એસઆઈટીની માગણી
મુંડેનો પરિવાર આ આઘાત સહન કરી શકે તેમ નથી. તેમના મનમાં ઘણા સવાલો છે અને તેના જવાબ માટે ખાસ સમિતિ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) ગઠિત કરવામાં આવે, તેવી માગણી તેમણે કરી છે. બીજી બાદુ પોલીસના તાબામાં છે તેવા પીએસઆઈ બદને પોતાનો મોબાઈલ છુપાવીને બેઠો છે. હાલમાં તો પોલીસ તેનો મોબાઈલ શોધવામાં પડી છે. જો તેનો ફોન મળી જાય તો ઘણી બાબતો સ્પષ્ટ થાય તેમ માનવામાં આવે છે.



