પુણે-બેંગલુરુ હાઈ-વે પર ખંબાટકી ઘાટની નવી ટનલનું કામ અંતિમ તબક્કામાંઃ વર્ષમાં શરુ થશે
સતારા: પુણે બેંગ્લોર હાઇ-વે પર ખંબાટકી ઘાટ પર ટ્રાફિક જામ અને પરિણામે મુસાફરીમાં વિલંબ ટાળવા માટેનો નવો ટનલ પ્રોજેક્ટ તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. આ ટનલ શરૂ થતાં હાઇ-વે પર મુસાફરી ઝડપી બનશે, જે પ્રોજેક્ટ નવા વર્ષમાં કાર્યરત થશે. ખંબાટકી ઘાટમાં મુસાફરી વધુ ઝડપી અને સલામત બનાવવા માટે થોડા વર્ષો પહેલા પુણેથી સતારા સુધીનો આ માર્ગ વન-વે કરવામાં આવ્યો હતો અને સતારાથી આવવા માટે ટનલ બનાવીને અલગ માર્ગ બનાવવામાં આવ્યો હતો. આ સ્વતંત્ર વ્યવસ્થાના કારણે છેલ્લા કેટલાક વર્ષોથી વાહનવ્યવહાર સરળ અને ઝડપી રહ્યો હતો. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ માર્ગ પર વાહનોની સંખ્યામાં વધારો થતાં આ સિંગલ લેન અને ટનલ માર્ગ અપૂરતો બન્યો હતો. હાલમાં પણેથી સતારા જવા માટે ઘાટ માર્ગે જવું પડે છે. આ આઠ કિમીનું અંતર કાપવામાં લગભગ ૩૫ થી ૪૦ મિનિટનો સમય લાગે છે તેમ જ પુણે આવવા માટે જે ટનલ તૈયાર કરવામાં આવી છે. ત્યાં પહોંચવામાં લગભગ ૧૫ મિનિટ લાગે છે.
Also read: વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈ-વે પર ડ્રાઈવરને રોકવા યુવક ટેક્સીના કેરિયર પર બેસી ગયો, જુઓ વાયરલ વીડિયો
આ રોડ પર વાહનોની સંખ્યા વધવાને કારણે છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક જામ અને અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થયો છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને આ નવી ટનલ પ્રોજેક્ટનું કામ હાથ ધરવામાં આવ્યું છે. ખંબાટકીની નવી ટનલ માટે ૬.૩ કિમી લંબાઈનો નવો ૬ લેન રોડ બનાવવામાં આવી રહ્યો છે. આમાં બે અલગ-અલગ ટનલ બનાવવાની યોજના છે. બંને ટનલનું ૧,૧૪૮ મીટર સુધીનું ખોદકામ પૂર્ણ થઈ ગયું છે. ૧૬.૧૬ મીટર પહોળી અને લગભગ ૯.૩૧ મીટર ઉંચી આ ટનલ તમામ આધુનિક સિસ્ટમ સાથે બનાવવામાં આવી છે.