મહારાષ્ટ્ર

શિવસેના (યુબીટી)ના નેતાએ ધનંજય મુંડે અને વાલ્મિક કરાડ વચ્ચેના નાણાકીય સંબંધોની ઈડી તપાસની માગણી કરી

છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્ર વિધાનસભા પરિષદમાં વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવેએ એવી માગણી કરી છે કે એનસીપીના પ્રધાન ધનંજય મુંડે અને તેમના સહાયક વાલ્મિક કરાડ વચ્ચેના કથિત આર્થિક સંબંધોની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા કરવામાં આવે.

શિવસેના (યુબીટી)ના નેતા સૂરજ ચવ્હાણ, જેમને તાજેતરમાં મની લોન્ડરિંગ કેસમાં જામીન મળ્યા છે, તેનો ઉલ્લેખ કરતાં દાનવેએ કહ્યું હતું કે ચવ્હાણને ફક્ત થોડા લાખ રૂપિયાના કથિત કૌભાંડમાં તપાસનો સામનો કરવો પડ્યો હતો.
‘જ્યારે કરોડો રૂપિયાની આટલી બધી વસ્તુઓ (આરોપો) બહાર આવી રહી છે, ત્યારે ધનંજય મુંડે અને વાલ્મિક કરાડ વચ્ચેના આર્થિક સંબંધોની પણ ઈડી દ્વારા તપાસ થવી જોઈએ,’ એમ શિવસેના (યુબીટી)ના નેતા દાનવેએ જણાવ્યું હતું.
એનસીપી નેતાએ તેમના અને કરાડ વચ્ચેના વ્યવસાયિક સંબંધો સહિત તેમના પરના બધા જ આરોપોને નકારી કાઢ્યા છે.
આ દરમિયાન, દાનવેએ એવો પણ દાવો કર્યો હતો કે જ્યારે મુંડે પાછલી સરકારમાં કૃષિ મંત્રી હતા, ત્યારે ઘણા અધિકારીઓ યોગ્ય રીતે કામ કરી શકતા ન હતા કારણ કે ‘ધનંજય મુંડે અને વાલ્મિક કરાડ કૃષિ વિભાગ ચલાવી રહ્યા હતા.’

આ પણ વાંચો : કરુણા શર્મા કોણ છે? ધનંજય મુંડે સાથે તેમનો શું સંબંધ છે?

મુંડેને તેમના સમુદાય અને જાતિને ધ્યાનમાં લીધા વિના બરતરફ કરવા જોઈએ કારણ કે તેઓ ‘ખેડૂત વિરોધી’ છે, એમ દાનવેએ કહ્યું હતું અને ઉમેર્યું હતું કે મહારાષ્ટ્ર વિધાનસભાનું આગામી સત્ર મુંડેના રાજીનામા વિના આગળ વધશે નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button