Maharashtra politics: હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસનો વારો: પરિણામ કોપી પેસ્ટ થશે? જલ્દી જ આવી શકે છે નિર્ણય
મુંબઈ: શિવસેનાના બળવાખોર વિધાનસભ્યોની અપાત્રતા અંગેનો નિર્ણય આવી ચૂક્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભા સ્પીકર રાહુલ નાર્વેકરે કહ્યું કે શિવસેના (શિંદે જૂથ) જ સાચી શિવસેના છે. સ્પીકરે 105 મિનિટ સુધી તેમના આદેશના મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરી. ત્યાર બાદ તેમણે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિત 16 શિવસેના વિધાનસભ્યોને અપાત્ર જાહેર કરવાની ઉદ્ધવ ઠાકરે જૂથની અરજી ફગાવી દીધી હતી.
આ નિર્ણય બાદ ભલે મહારાષ્ટ્રના રાજકારણનું એક ચેપ્ટર બંધ થઈ ગયું હોય પણ હવે બીજું ચેપ્ટર ખુલવાનું છે. શિવસેના બાદ હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વિધાનસભ્યોનો વારો છે. શરદ પવાર જૂથે અજિત પવાર જૂથના વિધાનસભ્યોની અપાત્રતા અંગે સ્પીકર રાહુલ નાર્વેકરને અરજી આપી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ અંગેનો નિર્ણય 31મી જાન્યુઆરી સુધી આવી શકે છે. સ્પીકર આ મામલે નિર્ણય આપવા તૈયાર છે.
સૂત્રોમાંથી મળતી જાણકારી મુજબ વિધાનસભા સચિવાલયના રેકોર્ડ જોતા ખ્યાલ આવે છે કે, આ મુદ્દે કાર્યવાહીની શરૂઆત 6 જાન્યુઆરીના રોજ જ થઈ ગઈ છે. આ અંગે 20મી જાન્યુઆરીના રોજ સાક્ષીઓની પૂછપરછ થઈ શકે છે. જ્યારે જવાબ અપનારાઓની પૂછપરછ 23મી જાન્યુઆરીના રોજ થશે.
એનસીપીના વિધાનસભ્યોની અપાત્રતા અંગેની અંતિમ સુનાવણી 25મી જાન્યુઆરીથી શરૂ થઈ 27મી જાન્યુઆરીએ પૂરી થશે. ત્યાર બાદ સ્પીકર તેમનો નિર્ણય જાહેર કરશે.
અજિત પવાર જૂથે ચૂંટણી પંચમાં એક અરજી પણ દાખલ કરી છે. જેમાં નોંધવામાં આવ્યું છે કે અજિત પવારને જ એનસીપીના પ્રમુખ માણવા જોઈએ. તથા એમના જૂથને જ એનસીપીનો સિમ્બોલ એટલે કે ઘડિયાળ સોંપવામાં આવે. ચૂંટણી પંચે તમામ પક્ષની વાત સાંભળીને પોતાનો નિણર્ય સુરક્ષિત રાખ્યો છે.