નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ ડીબી પાટીલ
મુંબઈ: મહારાષ્ટ્રના વન વિભાગના પ્રધાન ગણેશ નાઈકે સોમવારે એવી જાહેરાત કરી હતી કે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ પ્રકલ્પગ્રસ્ત લોકો માટે સંઘર્ષ કરનારા દિવંગત નેતા ડી. બી. પાટીલના નામ પર રાખવામાં આવશે. વાશીમાં આયોજિત જનતા દરબારમાં તેમણે આ જાહેરાત કરી હતી.
આ જનતા દરબારમાં ડી. બી. પાટીલના પુત્ર અતુલ પાટીલ નાઈકને મળ્યા હતા અને તેમને એવી વિનંતી કરી હતી કે નવી મુંબઈ એરપોર્ટનું નામ તેમના પિતાના નામ પર રાખવામાં આવે. નાઈકે એવી ખાતરી આપી હતી કે એક વખત આ એરપોર્ટ પર કમર્શિયલ પ્રવૃત્તિ ચાલુ કરવામાં આવશે કે તરત જ તેનું નામ સત્તાવાર રીતે ડીબી પાટીલના નામ પર રાખવામાં આવશે.
આપણ વાંચો: નવી મુંબઈ એરપોર્ટનું નામકરણ કરવાના પ્રસ્તાવ પર કેન્દ્ર સરકાર 2022થી બેઠી છે: આદિત્ય ઠાકરે
અહીં ઉલ્લેખનીય છે કે નવી મુંબઈના ગ્રીન ફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું કામ ફેબ્રુઆરી 2018,માં શરૂ કરવામાં આવ્યું હતું અને 2022માં ત્યારની એમવીએ (મહાવિકાસ આઘાડી) સરકારે તેનું નામ લોકનેતે સ્વર્ગીય ડીબી પાટીલ ઈન્ટરનેશનલ એરપોર્ટ રાખવાનું નક્કી કયું હતું.
ગયા મહિને એક અદાણી એરપોર્ટસ હોલ્ડિંગ લિ. (એએએચએલ)ના સિનિયર અધિકારીએ કહ્યું હતું કે એરપોર્ટ 17 એપ્રિલ, 2025થી કાર્યરત થવાની શક્યતા છે અને મે મહિનાના બીજા અઠવાડિયાથી વ્યાવસાયિક ઉડાણો અહીંથી શરૂ કરી દેવામાં આવશે.
એરપોર્ટ પર ગયા ડિસેમ્બર મહિનામાં કમર્શિયલ ફ્લાઈટ ટેસ્ટ હાથ ધરવામાં આવી હતી, જેમાં ઈન્ડિગો એ-320 વિમાનને રનવે 08/26 પર સફળતાપુર્વક ઉતરાણ કરાવવામાં આવ્યું હતું.