નાશિકમાં એસટી બસ અને મોટરસાઇકલ વચ્ચે ટક્કર: ત્રણનાં મોત

નાશિક: નાશિક જિલ્લામાં મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એમએસઆરટીસી)ની બસ અને મોટરસાઇકલ વચ્ચે થયેલી ટક્કરમાં ત્રણ જણનાં મોત થયાં હતાં.
સટાણા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે તહારાબાદ-સટાણા રોડ પર વાનોલી ગામ નજીક ભંવરપાડા ફાટા ખાતે સોમવારે સવારે 11 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો, જેમાં મૃત્યુ પામેલા ત્રણ જણની ઓળખ ગોવિંંદ કાળુ પવાર, વિકાસ જયરામ માળી અને રોશન દયારામ માળી તરીકે થઇ હતી, જેઓ સુકતમાન ગામના રહેવાસી હતા.
વિકાસ માળી મોટરસાઇકલ હંકારી રહ્યો હતો અને તેણે અચાનક કાબૂ ગુમાવ્યો હતો અને બસ સાથે ટકરાઇ હતી. એસટી બસ નંદુરબારથી પાલઘર જિલ્લાના વસઇ ખાતે આવી રહી હતી.
આ પણ વાંચો: ઢાળ પર ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં ટ્રકે અનેક વાહનોને મારી ટક્કર: મહિલાનું મોત
મોટરસાઇકલ પર વિકાસ માળી સાથે ગોવિંદ અને રોશન પણ હતા અને અકસ્માતમાં ત્રણેયનાં ગંભીર ઇજાને કારણે ઘટનાસ્થળે મોત થયાં હતાં. અકસ્માતને કારણે થોડા સમય માટે ટ્રાફિક જૅમ થયો હતો.
ત્રણેય જણનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા બાદ સટાણા પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી. (પીટીઆઇ)