નાશિકમાં કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ: કોઈ જખમી નહીં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નાશિકના સિન્નર તાલુકામાં આવેલી એક કેમિકલ ફેકટરીમાં બુધવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જખમી થયું નહોતું.
જિલ્લા અધિકારીએ જણાવ્યું હતું કે સિન્નર તાલુકામાં માલેગાંવ એમઆઈડીસીમાં આગ લાગી હતી, જયાં વિમા એરોમેટીકસ ફેકટરીના પરિસરમાં મોટા પ્રમાણમાં કેમિકલ ભરેલા ડ્રમ હતા. આ કેમિકલ ધૂપની લાકડીઓ બનાવવા માટે વાપરવામાં આવતું હતું. કેમિકલને કારણે આગ ઝડપભેર ફેલાઈ ગઈ હતી.
આપણ વાચો: થાણેમાં 18 માળની બિલ્ડિંગમાં ભીષણ આગ: 70થી વધુ લોકોને બચાવાયાં
આગ એટલી ભીષણ હતી કે દૂર દૂર સુધી તેનો ધુમાડો દેખાઈ રહ્યો હતો. આગ લાગ્યા બાદ ફાયરબિગ્રેડ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ફેકટરીમાં અંદર ફસાઈ ગયેલા કર્મચારીઓને બહાર સુરક્ષિત કાઢ્યા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
આગને પગલે ફેકટરીને ભારે માત્રામાં નુકસાન થયું હતું. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું ન હોવાનું ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું.



