મહારાષ્ટ્ર

નાશિક-ત્ર્યંબકેશ્વર સિંહસ્થ કુંભમેળો: છ હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે આગામી સિંહસ્થ કુંભ મેળા માટે 20,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોને મજૂરી આપવામાં આવી છે, જે નાશિકને એક મુખ્ય પ્રવાસન અને યાત્રાધામ તરીકે સ્થાપિત કરશે. અનેક પ્રોજેક્ટ્સનું ‘ભૂમિપૂજન’ કર્યા પછી તેમણે કહ્યું હતું કે, આ બધા કામો પારદર્શક રીતે હાથ ધરવામાં આવશે, અને 12 વર્ષમાં એક વાર આવતા ‘પર્વ’ માટે ભંડોળની કોઈ અછત રહેશે નહીં.

અમે આયોજન કર્યું છે કે આ બધા કામો ઓછામાં ઓછા 25 વર્ષ સુધી ચાલુ રહે અને નાશિક અને ત્ર્યંબકેશ્વરનો ચહેરો બદલી નાખશે. તે નાશિકને એક મુખ્ય પ્રવાસન અને યાત્રાધામ કેન્દ્ર બનાવશે. રાજ્ય સરકાર આ કાર્યો માટે સંપાદિત કરવામાં આવેલી જમીન માટે સારું વળતર આપશે, એમ ફડણવીસે ‘ભૂમિપૂજન’ કાર્યક્રમ પછી જણાવ્યું હતું.

‘આ કુંભ ખાસ છે કારણ કે તે 75 વર્ષ પછી ‘ત્રિખંડ યોગ’ દરમિયાન આવે છે. તેથી, તે 28 મહિના સુધી ચાલુ રહેશે. તે 31 ઓક્ટોબર, 2026થી શરૂ થશે અને 24 જુલાઈ, 2028 સુધી ચાલશે. વિશ્વભરના લોકોએ પ્રયાગરાજ કુંભની મુલાકાત લીધી હતી. નાશિક કુંભ પણ આ પરંપરાનો એક ભાગ છે. જોકે, તફાવત એ છે કે પ્રયાગરાજ કુંભ ગંગા કિનારે 15,000 હેક્ટર જમીન પર થાય છે, જ્યારે આપણી પાસે નાસિક અને ત્ર્યંબકેશ્ર્વરમાં ફક્ત 500 એકર જમીન છે,’ એ બાબત પ્રત્યે તેમણે ધ્યાન દોર્યું હતું.

આ પણ વાંચો: નાશિક કુંભમેળાની તારીખોની જાહેરાત 31 ઓક્ટોબર 2027થી ધ્વજારોહણ સાથે કુંભની શરૂઆત

ગુરુવારે ભૂમિપુજન થયેલા થયેલા કામોમાં જાહેર બાંધકામ વિભાગ દ્વારા 2,270 કરોડ રૂપિયા અને નાશિક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 3,338 કરોડ રૂપિયાના પ્રસ્તાવિત કાર્યોનો સમાવેશ થાય છે. રાજ્યના સૌથી મોટી જિલ્લા પરિષદની ઈમારતનું પણ અહીં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, એમ ફડણવીસે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને કુંભ મેળાના પ્રભારી રાજ્ય કક્ષાના પ્રધાન ગિરીશ મહાજન તેમ જ વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં જણાવ્યું હતું.
આ પ્રોજેક્ટ રામકુંડ, સીતા ગુફા, ભગવાન કાલારામ મંદિર, રામ લક્ષ્મણ ગુફા અને વિસ્તારના અન્ય ઐતિહાસિક મંદિરોના ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વને લોકો સુધી પહોંચાડવામાં મદદ કરશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

ફડણવીસ અને શિંદેએ બાદમાં ભગવાન કાલારામ મંદિરમાં પ્રાર્થના કરી.

નાશિકનો સિંહસ્થ કુંભ મેળો ભારતને વિશ્વના આધ્યાત્મિક નકશા પર ઉજાગર કરશે: એકનાથ શિંદે નાશિકનો સિંહસ્થ કુંભ મેળો માત્ર એક ધાર્મિક સમારોહ જ નહીં, પણ એક એવો સમારોહ પણ હશે જે વિશ્વના આધ્યાત્મિક નકશા પર ભારતનું સ્થાન વધુ મજબૂત બનાવશે. રાજ્ય સરકાર આયોજિત અને ગુણવત્તાયુક્ત તૈયારીઓ માટે પ્રતિબદ્ધ છે, એમ નાયબ મુખ્ય એકનાથ શિંદેએ ગુરુવારે નાશિકમાં ભારપૂર્વક જણાવ્યું હતું.

આ પણ વાંચો: કુંભમેળા દરમ્યાન શિરડી ઍરપોર્ટ પર વિમાનની પાર્કિંગની સુવિધામાં વધારો થશે

કુંભ મેળાની તૈયારી માટે રાજ્ય સરકારના સાહસિક પગલાં

નાશિક અને ત્ર્યંબકેશ્ર્વરમાં યોજાનારા સિંહસ્થ કુંભ મેળાને ધ્યાનમાં રાખીને, સરકારે ટૂંકા ગાળા અને લાંબા ગાળાની વિકાસ યોજના તૈયાર કરી છે. આ અંતર્ગત, રસ્તાઓ, પાણી પુરવઠો, ડ્રેનેજ, સ્વચ્છતા, પરિવહન, સુરક્ષા અને સંતો માટે રહેવાની વ્યવસ્થા સહિત વિવિધ સુવિધાઓ બનાવવામાં આવશે.

નાસિકનો ચહેરો બદલવાની તક

કુંભ મેળાએ નાશિકનો ચહેરો બદલવાની એક મોટી તક પૂરી પાડી છે. આ વિકાસ કાર્યો શહેરને સ્વચ્છ, સુંદર અને આધુનિક બનાવશે. રામકુંડ અને ગોદાવરી નદીના વિસ્તારોમાં સ્વચ્છતા અને પાણીના શુદ્ધિકરણ પર ખાસ ભાર મૂકવામાં આવશે, એવી માહિતી એકનાથ શિંદે દ્વારા આપવામાં આવી હતી.

સાધુગ્રામ – ભક્તો માટે સુસજ્જ સુવિધાઓ

આ સિંહસ્થ કુંભ મેળા દરમિયાન 1400 એકર વિસ્તારમાં સાધુગ્રામ બનાવવામાં આવશે. દેશભરમાંથી આવતા સંતો માટે અહીં તમામ સુવિધાઓ સાથે રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે.

આ ત્રિખંડી કુંભ મેળો બાવીસ મહિના લાંબો રહેશે. વહીવટીતંત્રે લાખો ભક્તો અને સંતો માટે વ્યવસ્થા કરવા માટે યોજના સાથે તૈયારી કરવાની જરૂર છે. પ્રયાગરાજ કુંભ મેળાના અનુભવનો આને માટે ઉપયોગ કરવામાં આવશે.

આ પણ વાંચો: નાશિકમાં સિંહસ્થ કુંભ મેળાની તૈયારી જોરદાર નાશિકને જોડતા તમામ રસ્તાઓનો વિકાસ કરાશે

ડિજિટલ કુંભ અને એઆઈ દ્વારા વ્યવસ્થાપન

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કુંભ મેળાને પ્રોત્સાહન આપવા માટે ‘ડિજિટલ કુંભ’નો નવો ખ્યાલ જાહેર કર્યો છે. આ અંતર્ગત, ડિજિટલ મીડિયા દ્વારા ભક્તો સુધી બધી માહિતી પહોંચાડવામાં આવશે. ભીડ નિયંત્રણ અને કાયદો અને વ્યવસ્થા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)નો ઉપયોગ કરવામાં આવશે. ટેકનોલોજીની મદદથી, અફવાઓ અને ખોટી માહિતી રોકવામાં આવશે અને માહિતીનો યોગ્ય રીતે પ્રસાર કરવામાં આવશે.

‘વિકાસની ગંગા’ ઉતરી

કુલ 5,757 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સમાં રસ્તા, પુલ, ડ્રેનેજ, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ, પરિવહન સુધારણા, સ્વચ્છતા યોજનાઓ અને નદીના પુનર્જીવનનો સમાવેશ થાય છે.

આધ્યાત્મિકતા અને વિકાસનો સંગમ

સિંહસ્થ કુંભ મેળો ફક્ત આધ્યાત્મિકતાનો ઉત્સવ નથી, પરંતુ વિકાસનો મહાકુંભ છે. ભગવાન શ્રી રામના આશીર્વાદથી, મને સંપૂર્ણ વિશ્ર્વાસ છે કે નાસિકમાં આ સમારોહ ઉત્તમ રીતે અને કોઈપણ અવરોધ વિના યોજાશે, એવા શબ્દો સાથે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મહાકુંભની તૈયારીની વિગતો આપી હતી.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button