મોબાઈલ ચોર ટોળકી પકડાઈ: 35 લાખની મતા જપ્ત

નાશિક: મોબાઈલ ફોન અને લૅપટોપ ચોરનારી ટોળકીના ત્રણ આરોપીની ધરપકડ કરી પોલીસે અંદાજે 35 લાખ રૂપિયાની મતા જપ્ત કરી હતી. આરોપીઓના સગીર સાથીને પણ પોલીસે પકડી પાડ્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચના અધિકારીના જણાવ્યા મુજબ સતપુરની એક દુકાનમાંથી બે લૅપટોપ ચોરાયાં હતાં, જેની તપાસમાં પોલીસની ટીમે બે આરોપીને ઓળખી કાઢ્યા હતા. માહિતીને આધારે બન્ને આરોપી રામુ બલરાજ (40) અને સત્યવેલ શ્રીનિવાસુ (36)ની ધરપકડ કરવામાં આવી હતી. બન્ને આંધ્ર પ્રદેશના ચિત્તૂરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો: રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓની કીમતી વસ્તુઓ ચોરનારી ટોળકીના બે પકડાયા
પકડાયેલા આરોપીઓ પાસેથી ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-1ના અધિકારીઓએ ચોરીનાં બન્ને લૅપટોપ જપ્ત કર્યાં હતાં. આરોપીઓની પૂછપરછ પછી તેમના સાથી આનંદ નિત્યાનંદની પણ ધરપકડ કરાઈ હતી. આ કેસમાં સંડોવાયેલા એક સગીરને તાબામાં લેવાયો હતો.
આરોપીઓ પાસેથી 53 મોબાઈલ ફોન, છ લૅપટોપ અને અન્ય વસ્તુઓ મળી અંદાજે 35 લાખની મતા હસ્તગત કરાઈ હતી. આ વસ્તુઓ અલગ અલગ સ્થળેથી ચોરવામાં આવી હતી. આરોપીઓના પકડાઈ જવાથી સતપુર, સરકારવાડા અને પંચવટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોબાઈલ અને લૅપટોપ ચોરીના વધુ છ કેસ ઉકેલાયા હોવાનો દાવો પોલીસે કર્યો હતો.
(પીટીઆઈ)