અમારા ત્રણેય સાથે સંબંધ રાખઃ નાશિકમાં નરાધમોએ બેશરમીની હદ વટાવીને સગીરાએ આપ્યો જીવ

નાશિકઃ દેશમાં રોજ-બરોજ એવી ઘટનાઓ બને છે જે માત્ર મહિલા સુરક્ષા સામે નહીં, પણ માણસાઈ સામે પણ સવાલો ઊભા કરી દે છે. આ સાથે લોકોને કાયદો અને વ્યવસ્થાનો ડર રહ્યો જ નથી અને યુવાનો કે સગીરો પણ કેટલી હદે નરાધમ થઈ ગયા છે તેની સાક્ષી પૂરે છે.
એક તો સોશિયલ મીડિયા પર ગમે તે કન્ટેન્ટ જોઈ રહેલા યુવાનો રિલેશનશિપ અને સેક્સ વિશે અધરું જ્ઞાન ધરાવે છે અને બીજી બાજુ માતા-પિતાનો કે સમાજનો તેમના પર ખાસ કોઈ પ્રભાવ રહ્યો નથી, આથી મનફાવે તેમ વર્તે છે. આનો ભોગ મોટેભાગે છોકરીઓ બને છે.
આપણ વાંચો: પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો! સગી દીકરી પર દુષ્કર્મ આચરનાર નરાધમી પિતાને ફાંસીની સજા…
નાશિકમાં બનેલી ઘટનાની માહિતી અનુસાર એક જ કૉલેજમાં ભણતા ત્રણ યુવાને એક જ સગીરાને તેમની સાથે સંબંધ બાંધવા મજબૂર કરી હતી. એક યુવાને તેને પ્રેમની જાળમાં ફસાવી અને ત્યારબાદ તેનાં બે મિત્રો સાથે પણ સંબંધો રાખવા દબાણ કર્યું હતું. આટલું ઓછું હોય તેમ આરોપીએ યુવતીને બદનામ કરતી પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર મૂકી હતી.
તેને ગાળાગાળી પણ કરવામાં આવી હતી. આ બધી બાબતોથી કંટાળેલી સગીરાએ અંતે આત્મહત્યા કરી લીધી છે. સગીરાએ તેના ઘરમાં જ ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણી દીધો હતો. આ ઘટના અંગે પોલીસે તપાસ કરી ત્યારે આખો કિસ્સો ધ્યાનમાં આવ્યો અને પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે અને એક ફરાર છે.
આપણ વાંચો: આ નરાધમને કઈ સજા આપવી જોઈએ? જેલમાંથી છૂટ્યો અને મિત્રો સાથે મળી પત્ની પર જ કર્યો ગેંગ રેપ
અહીં સવાલ એ પણ છે કે તેની સાથે થઈ રહેલા આવા દુરાચાર અંગે તેણે ઘર-પરિવાર કે મિત્રોને રજૂઆત કેમ ન કરી અને જો કરી તો પોલીસની મદદ કેમ ન માગી.
જ્યારે પણ કોઈ છોકરી કે મહિલા આ પ્રકારે ફસાય છે ત્યારે તેને જો પરિવાર તરફથી કે મિત્રો તરફથી સમર્થન મળે તો તેનાંમાં લડવાની તાકાત આવે છે, પરંતુ મોટેભાગે પરિવાર તરફથી ઠપકો મળશે કે કોઈ મને સમજશે નહીં તેવા ડરથી છોકરીઓ આ પ્રકારના અત્યાચારો સહન કરતી હોય છે અથવા આ પ્રકારે આત્યંતિક પગલા ભરતી હોય છે.