Good News: મહારાષ્ટ્રમાં વધુ એક ‘વંદે ભારત એક્સપ્રેસ’ને લીલી ઝંડી, જાણી લો રૂટ પણ…

મુંબઈઃ દેશમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મુસાફરોમાં લોકપ્રિય થઇ રહી છે ત્યારે મહારાષ્ટ્રના શીખ સમુદાયના મુસાફરો માટે એક સારા સમાચાર છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે નાંદેડથી મુંબઈને જોડતી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી.
આ વંદે ભારત એક્સપ્રેસ મહારાષ્ટ્રના યાત્રાળુઓ, પ્રવાસીઓને વિશ્વ કક્ષાની સુવિધાઓ પૂરી પાડશે. શીખ ધર્મના પાંચ તખ્તોમાંથી એક, હઝુર સાહિબ, નાંદેડના આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ પર પ્રકાશ પાડશે.

શીખ સમુદાય અને ગુરુ નાનક લેવા સંગત લાંબા સમયથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની માંગણી કરી રહ્યું હતું જે હવે પૂર્ણ થશે, જેને મહારાષ્ટ્ર શીખ એસોસિએશન (MSA) દ્વારા સમર્થન મળી રહ્યું છે. આનાથી શીખ સમુદાયના લોકો માટે નાંદેડના પવિત્ર સ્થળ સુધી પહોંચવાનું ખૂબ સરળ બનશે.
જાણો નવી વંદે ભારત એક્સપ્રેસનું સંપૂર્ણ ટાઈમટેબલ
વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર 02705)નું ઉદ્ઘાટન આજે કરવામાં આવ્યું હતું. આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હઝુર સાહિબ નાંદેડથી સવારે 11:20 વાગ્યે ઉપડી અને રાત્રે 9:55 વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT), મુંબઈ પહોંચશે. આ ટ્રેન પરભણી, જાલના, ઔરંગાબાદ, મનમાડ, નાસિક રોડ, કલ્યાણ, થાણે અને દાદર જેવા મુખ્ય સ્ટેશનો પર ઉભી રહેશે.

પ્રવાસી એસોસિએશને જણાવ્યું હતું કે ટ્રેન નંબર 20705 અને 20706 બુધવાર (27 ઓગસ્ટ, 2025)થી નિયમિતરૂપે દોડશે, જે પ્રવાસીઓની સાથે શ્રદ્ધાળુઓને ફાયદો થશે. ટ્રેન નંબર 20705 નાંદેડથી સવારે 5:00 વાગ્યે ઉપડશે અને બપોરે 2:25 વાગ્યે મુંબઈ CSMT પહોંચશે.
પરત ફરતી વખતે ટ્રેન નંબર 20706 મુંબઈ CSMTથી બપોરે 1:10 વાગ્યે ઉપડશે અને રાત્રે 10:50 વાગ્યે નાંદેડ પહોંચશે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સેવા અઠવાડિયામાં છ દિવસ ચાલશે. તે બુધવારે નાંદેડથી અને ગુરુવારે મુંબઈથી ચાલશે નહીં.
આ પણ વાંચો…આનંદો મુંબઈ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસને હવે નવસારી સ્ટેશનનો મળ્યો હોલ્ટ