મહારાષ્ટ્ર

સરપંચ બનવા પિતાએ સાત વર્ષની દીકરીનો ભોગ લીધો!

ગ્રામપંચાયતની ચૂંટણી લડવા ત્રીજું સંતાન બાધારૂપ હોવાથી પિતાએ તેને તેલંગણાની કૅનાલમાં ફેંકી…

નાંદેડ: સરપંચ બનવાની લાયમાં પિતાએ પોતાની સાત વર્ષની માસૂમ દીકરીનો ભોગ લીધો હોવાની કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. ગ્રામપંચાયતની ચૂંટણી લડવા માટે ત્રીજું સંતાન બાધા ઊભી કરી શકે એમ હોવાથી દીકરીને તેલંગણામાં લઈ જઈને કૅનાલમાં ફેંકી દીધી હોવાનું તપાસમાં જાણવા મળતાં પોલીસે આરોપી પિતાની અટકાયત કરી હતી.

તેલંગણા પોલીસે નાંદેડ જિલ્લાના મુખેડ તાલુકામાં આવેલા કેરુર ગામના રહેવાસી પાંડુરંગ કોંડામંગલે (32)ને તાબામાં લઈ પૂછપરછ હાથ ધરી હતી. પાંડુરંગની સાત વર્ષની પુત્રી પ્રાચીનો મૃતદેહ તેલંગણાના કટ્ટાપલ્લી પરિસરમાં બોધન રોડ પરની કૅનાલમાંથી મળી આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી પાંડુરંગની કેરુર ગામના બાર્હાળી ખાતે નાની દુકાન છે. દુકાન માટે સાધનો ખરીદવાને બહાને પાંડુરંગ ચાર દિવસ પહેલાં તેલંગણા ગયો હતો. તે પોતાની સાથે પુત્રી પ્રાચીને પણ લઈ ગયો હતો. જોકે રાતે ઘરે પાછો ફર્યો ત્યારે તે એકલો હતો. તેની સાથે પ્રાચી ન હોવાથી પત્નીએ પૂછપરછ કરી હતી. આરોપીએ તે સમયે ઉડાઉ જવાબ આપ્યા હતા.

બીજે દિવસે બાળકીનો મૃતદેહ કૅનાલમાંથી મળતાં તેલંગણામાં ચકચાર ફેલાઈ હતી. પોલીસ સીસીટીવી કૅમેરા ફૂટેજ અને અન્ય વિગતોને આધારે પાંડુરંગ સુધી પહોંચી હતી. પાંડુરંગે કૅનાલમાં ધક્કો મારી પુત્રીને પતાવી નાખી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી.

પાંડુરંગની અટકાયત કરવામાં આવતાં જ ગામમાં વિવિધ ચર્ચાએ જોર પકડ્યું હતું. હત્યાનો હેતુ સ્પષ્ટ થઈ શક્યો નહોતો. આર્થિક તાણને કારણે તેણે આવું પગલું ભર્યું હોવાનું કહેવામાં આવતું હતું. જોકે મોટા ભાગના ગામવાસીઓમાં ચર્ચા હતી કે પાંડુરંગ ગ્રામપંચાયતની ચૂંટણી માટે તૈયારી કરતો હતો. સરપંચ પદના ઉમેદવાર તરીકે તે ચૂંટણી મેદાનમાં ઊતરવાનો હતો, પરંતુ ત્રણ સંતાન હોવાથી તે ચૂંટણી લડવા ગેરલાયક ઠરી શકે એ મુદ્દાને ધ્યાનમાં રાખી પાંડુરંગે ક્રૂર પગલું ભર્યું હોવાનું કહેવાય છે.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button