ચૂંટણીપંચ ખુલાસો કરે કે મતદાન પૂર્ણ થયા બાદ સાત ટકા મતદાન કેવી રીતે વધ્યું: નાના પટોલે

મુંબઈ: મહારાષ્ટ્ર કૉંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ ગુરુવારે એવી માગણી કરી હતી કે ચૂંટણી પંચે ખુલાસો કરવો જોઈએ કે 20મી નવેમ્બરે સાંજે મતદાન પૂર્ણ થયા બાદ મતદાનની ટકાવારીમાં સાત ટકાનો વધારો કેવી રીતે થયો હતો.
મતદાનના આંકડામાં રહેલી વિસંગતતાને કારણે ચૂંટણી પંચની કાર્યપદ્ધતિ પર શંકા ઉપસ્થિત કરે છે.
તેમણે એવો દાવો કર્યો હતો કે 20 તારીખે સાંજે પાંચ વાગ્યે મતદાન 58.22 ટકા હતું જે રાતે 11.30 વાગ્યા સુધીમાં 7.83 ટકા વધી ગયું હતું.
આ પણ વાંચો :”મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે નહીં બને તો શું થાય?? ઉદ્ધવ ઠાકરે મજબૂત, પાલિકામાં નુકસાન, મરાઠા નારાજ
ચૂંટણીપંચે આ વિસંગતિ અંગે સ્પષ્ટતા કરવી જોઈએ. આ જનતાના મતોનની ચોરી છે. અમે કાનૂની માર્ગ અપનાવીશું અને રસ્તા પર ઉતરીને લોકોમાં જાગૃતિ ફેલાવશું એમ પટોલેએ કહ્યું હતું.
પટોલેએ એમ પણ કહ્યું હતું કે જે મતદાન કેન્દ્રોમાં રાતે 11.30 વાગ્યા સુધી મતદાન થયું તેના ફોટા ચૂંટણીપંચે પ્રકાશિત કરવા જોઈએ. તેમણે એવો દાવો કર્યો હતો કે આ વિજય કે પરાજયનો મુદ્દો નથી, તેઓ લોકશાહી બચાવવા માગે છે.