નાના પાટેકરે ખેડૂતોનું કર્યું સમર્થન કહ્યું, ‘સરકાર પાસે કંઈ ન માગો, કોની સરકાર લાવવી છે તે નક્કી કરો’
દેશમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનમાં બોલિવૂડ અભિનેતા નાના પાટેકરે પણ ઝંપલાવ્યું છે. તેમણે ખેડૂતોના સમર્થનમાં મોટું નિવેદન આપ્યું છે. નાનાએ ખેડૂતોને પોતાનો નિર્ણય લેવા અને સરકારને ચૂંટવા કહ્યું છે. નાનાએ કહ્યું છે કે હવે સમય આવી ગયો છે કે ખેડૂતોએ કંઈપણ ન માંગવું જોઈએ પરંતુ તે નક્કી કરવું જોઈએ કે તેઓ દેશમાં કોની સરકાર લાવવા માંગે છે. આ સાથે જ તેમણે પોતાના રાજકારણમાં પ્રવેશને લઈને પણ જવાબ આપ્યો છે.
‘હું રાજનીતિ કરી શકતો નથી’
નાના પાટેકર હંમેશા પોતાના ઓપિનિયન અંગે અવાજ ઉઠાવતા રહ્યા છે. તેમણે હંમેશા ખેડૂતો પર થતા અત્યાચારને લઈ સમર્થન દર્શાવ્યું છે. આ વખતે ખેડૂતોનો પક્ષ લેતા તેમણે કહ્યું કે- પહેલા 80-90% ખેડૂતો હતા, હવે 50% ખેડૂતો છે. હવે સરકાર પાસેથી કંઈ માગશો નહીં. હવે નક્કી કરો કોની સરકાર લાવવી છે. હું રાજકારણમાં નહીં જઈ શકું કારણ કે મારા પેટમાં જે હશે તે મારા મોં પર આવશે. તે મને પાર્ટીમાંથી હાંકી કાઢશે. પક્ષ બદલતા-બદલતા એક મહિનામાં જ તમામ પાર્ટીઓ પુરી થઈ જશે. અહીં હું તમારી સામે મારા દિલની વાત કરી શકું છું. આપણા ખેડૂત ભાઈઓ જે આપણને રોજ ખાવાનું આપે છે તેની કોઈને પરવા નથી, તો પછી અમને તમારી (સરકાર)ની શું પડી છે?
‘હું ખેડૂત તરીકે જન્મ લઈશ’
ખેડૂતો સાથે વાત કરતાં નાનાએ આગળ કહ્યું – જો હું આત્મહત્યા પણ કરીશ, તો પણ હું ખેડૂત તરીકે જ જન્મ લઈશ, ખેડૂત ક્યારેય એમ નહીં કહે કે મારે ખેડૂત તરીકે જન્મવું નથી. અમે પ્રાણીઓની ભાષા જાણીએ છીએ, શું તમને ખેડૂતોની ભાષા બોલતા નથી આવડતી?
ખેડૂતોના સમર્થક નાના
નાના હંમેશા ખેડૂતોના સમર્થનમાં બોલતા આવ્યા છે. તેઓ પોતાને ખેડૂતોના મહાન શુભચિંતક તરીકે ઓળખાવે છે. નાનાએ અગાઉ પણ ખેડૂતો દ્વારા વારંવાર થતી આત્મહત્યા અંગે ખેદ વ્યક્ત કર્યો હતો. તેમણે એક સંગઠન બનાવ્યું હતું જે ખેડૂતોના પક્ષમાં કામ કરે છે. તેમણે કહ્યું હતું કે ખેડૂત ભાઈઓ આત્મહત્યા ન કરે, પરંતુ તેમને બોલાવો. નાનાના કહેવા પ્રમાણે, તેમણે આર્થિક સંજોગોને કારણે આત્મહત્યા કરનાર ખેડૂતોની 180 વિધવાઓને 15-15 હજાર રૂપિયાની મદદ પણ કરી હતી.