નાગપુરમાં હિંસા કરનારા વિરુદ્ધ તાબડતોબ એક્શન, ‘બુલડોઝર’ની કાર્યવાહી

નાગપુરઃ મહારાષ્ટ્રના નાગપુરમાં થયેલી હિંસા મુદ્દે હવે રાજ્ય સરકાર એક્શનમાં આવી ગઈ છે. ગયા સોમવારે નાગપુરમાં હિંસા કરનારા વિરોધ પ્રદર્શનકારીઓ સામે સરકારે આક્રમક કાર્યવાહી કરતા નાગપુર પાલિકા પ્રશાસન આરોપીઓના ઘરે બુલડોઝર મારફત કાર્યવાહી કરી છે.
આ કાર્યવાહી એવા સમયગાળા દરમિયાન કરવામાં આવી છે, જ્યારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિરોધ પ્રદર્શન કરનારા લોકો સામે સખત કાર્યવાહી કરવાના સંકેત આપ્યા હતા, ત્યાર બાદ આજે નાગપુર પાલિકા પ્રશાસને આરોપી ફહીમ ખાનનું ગેરકાયદે ઘર પર બુલડોઝર ચલાવ્યું છે. ફહીમ ખાન કથિત રીતે નાગપુર મહલ, હંસપુરી અને ભાલદારપુરા વિસ્તારમાં હિંસા ફેલાવનારો માસ્ટરમાઈન્ડ છે.
આ પણ વાંચો: RSS ના કાર્યકરો પર છરી વડે હુમલો કરનારા આરોપીના મકાન પર ફર્યું બુલડોઝર…
બે દિવસ પૂર્વે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને જ્યારે પત્રકારોએ પૂછ્યું હતું કે શું ઉત્તર પ્રદેશના માફક રાજ્ય સરકાર નાગપુરના પ્રદર્શનકારીઓના નિવાસસ્થાન પર પણ બુલડોઝરથી કાર્યવાહી કરશે, એના જવાબમાં મુખ્ય પ્રધાને કહ્યું હતું કે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે કાર્યવાહી કરવામાં આવશે. એના બે દિવસ પછી પાલિકા પ્રશાસન દ્વારા કાર્યવાહી કરીને ફહીમ ખાનના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચલાવાયું છે.
ફહીમ ખાનને નાગપુરમાં હિંસા દરમિયાન હિંસા ભડકાવવા અને ષડયંત્ર રચવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસ સાંપ્રદાયિક હિંસામાં તેની ભૂમિકા અંગે વિસ્તૃત તપાસ પણ કરી રહી છે.