મહારાષ્ટ્ર

નાગપુરમાં રૂ. 25 લાખની બનાવટી નોટો જપ્ત: ચારની ધરપકડ

નાગપુર: નાગપુરમાં રૂ. 25 લાખની બનાવટી નોટો જપ્ત કરીને પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

રાહુલ વાસુદેવ ઠાકુર (31) નામના શખસે ફરિયાદ બાદ સિતાબુલ્દી પોલીસે બુધવારે આ કાર્યવાહી કરી હતી.
ઠાકુરે પોલીસને જણાવ્યું હતું કે સોમવારે રાતે તેણે ફેસબૂક પર ‘ક્વિક-બક’ સ્કીમ ઓફર કરતી જાહેરાત જોઇ હતી અને તેમાં મોબાઇલ નંબર આપવામાં આવ્યો હતો.

ઠાકુરે એ નંબર પર કૉલ કરતા સામેની વ્યક્તિએ જણાવ્યું હતું કે તેઓ તેમની સ્કીમ હેઠળ રૂ. બે લાખની સામે રૂ. આઠ લાખ આપશે. તેણે ચલણી નોટ છાપવા માટે પ્રિન્ટિંગ મશીન હોવાનો દાવો પણ કર્યો હતો.

ઠાકુરને આ અંગે શંકા જતાં તેણે પોલીસને તેની જાણ કરી હતી. પોલીસે બાદમાં છટકું ગોઠવીને સતીષ જ્ઞાનદેવ ગાયકવાડ (29), ગૌતમ રાજુ ભલાવી (21), શુભમ સહદેવ પ્રધાન (27) અને મોનુ ઉર્ફે શબ્બીર બલાકત શેખ (27)ની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી બનાવટી નોટોના 44 બંડલ જપ્ત કર્યા હતા. દરેક બંડલની ઉપર અને નીચે અસલી નોટ રખાઇ હતી અને વચ્ચે બનાવટી નોટો રાખવામાં આવી હતી. આરોપીઓએ આ પ્રમાણે અનેક લોકો સાથે ઠગાઇ આચરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button