એક સમયે છોટા રાજનના ઘરે હાથફેરો કરી ચૂકેલા આરોપીને નાગપુર પોલીસે ચોરીના કેસમાં પકડ્યો
નાગપુર: એક સમયે મુંબઈમાં ગેન્ગસ્ટર છોટા રાજનના ઘરમાંથી રૂ. ચારથી પાંચ કરોડના દાગીના-રોકડ ચોરનારા આરોપીને નાગપુરમાં વેપારીના નિવાસે ચોરી કરવા બદલ નાગપુર પોલીસે ઝડપી પાડ્યો હતો, જ્યારે તેના સાથીદારની હૈદરાબાદથી ધરપકડ કરાઇ હતી.
આરોપી મોહંમદ સલીમ મોહંમદ હબીબ કુરેશી (51) 200થી વધુ ગુનામાં સંડોવાયેલો છે. મુંબઈના વતની મોહંમદ સલીમ છેલ્લાં કેટલાંક વર્ષથી હૈદરાબાદમાં રહે છે. તેનો સાથીદાર શબ્બીર ઉર્ફે જમીલ કુરેશી (32) ગોવંડીનો રહેવાસી છે અને તેની સામે બે ડઝન ગુના નોંધાયેલા છે.
આપણ વાંચો: ગુજરાતમાં અનેક ગુનામાં સંડોવાયેલા બે આરોપીની ચોરીના કેસમાં ધરપકડ
બંને આરોપીએ 26 માર્ચે સ્થાનિક વેપારીના નિવાસેથી રૂ. 18 લાખના દાગીના-રોકડ ચોર્યાં હતાં. પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા અને અન્ય ઇનપુટ્સ તપાસતાં બંને આરોપીઓ વિશે માહિતી મળી હતી. બાદમાં બંનેને હૈદરાબાદથી મંગળવારે તાબામાં લેવાયા હતા. આરોપીઓએ પોલીસને જણાવ્યું હતું કે તેમણે ચોરેલા દાગીના મુંબઈના વેપારીને વેચી દીધા હતા.
વર્ષો અગાઉ સલીમ કુરેશીએ મુંબઈમાં ગેન્ગસ્ટર છોટા રાજનના નિવાસેથી રૂ. ચારથી પાંચ કરોડના દાગીના-રોકડ ચોર્યાં હતાં. રાજન ટોળકીના સાગરીતોને આની જાણ થયા બાદ સલીમના સાથીને ગોળી મારીને મોતને ઘાટ ઉતારાયો હતો, જ્યારે સલીમ ભાગી છૂટ્યો હતો અને હૈદરાબાદમાં છુપાઇ ગયો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)