નાગપુરમાં હૃદયદ્રાવક ઘટના પત્નીના શબને બાઈકની પાછલી સીટ પર બાંધીને લઈ જતા પતિનો વીડિયો વાયરલ...

નાગપુરમાં હૃદયદ્રાવક ઘટના પત્નીના શબને બાઈકની પાછલી સીટ પર બાંધીને લઈ જતા પતિનો વીડિયો વાયરલ…

નાગપુર: નાગપુરમાં હાઈવે પર બનેલી હૃદયદ્રાવક ઘટનામાં અકસ્માત બાદ મદદ માટે કોઈ સામે ન આવતાં પત્નીના શબને બાઈકની પાછલી સીટ પર બાંધી પતિ ઘર તરફ રવાના થયો હતો. આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો.

મળતી માહિતી અનુસાર ઘટના નવમી ઑગસ્ટે નાગપુર-જબલપુર નૅશનલ હાઈવે પર બની હતી. પોલીસે શબને બાઈક પર બાંધીને લઈ જતા પતિને રોકવા પહેલાં તેનો વીડિયો શૂટ કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ મધ્ય પ્રદેશના સિયોની જિલ્લામાં રહેતો અમિત યાદવ (35) પત્ની ગ્યારસી સાથે બાઈક પર નાગપુરના લોણારથી પડોશી રાજ્યમાં આવેલા વતન કરનપુર જઈ રહ્યો હતો.

તે સમયે પૂરપાટ વેગે આવેલી ટ્રકે યાદવની બાઈકને ટક્કર મારી હતી. અકસ્માતને કરાણે ગ્યારસી બાઈક પરથી જમીન પર પટકાઈ હતી. ગ્યારસી પર ટ્રક ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અધિકારીના જણાવ્યા મુજબ હાઈવે પરથી પસાર થનારા વાહનોને રોકીને યાદવે મદદ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કોઈએ મદદ માટે વાહન રોક્યું નહોતું.

આખરે કોઈ માર્ગ ન બચતાં યાદવે પત્નીના મૃતદેહને બાઈકની પાછલી સીટ પર બાંધી ઘર તરફ બાઈક હંકારી મૂકી હતી.
પોલીસે યાદવની બાઈકને માર્ગમાં જ આંતરી હતી. ગ્યારસીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નાગપુરની ઈન્દિરા ગાંધી મેડિકલ કૉલેજમાં લઈ જવાયો હતો.

વાયરલ થયેલા વીડિયોમાં યાદવ તેની પત્નીના શબને બાઈક પર બાંધીને લઈ જતો નજરે પડે છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો હેઠળ ગુનો નોંધી ફરાર ટ્રક ડ્રાઈવરની શોધ હાથ ધરી હતી. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button