નાગપુરમાં મોસમનો સૌથી વધુ વરસાદ: જનજીવન પર અસર, રેડ એલર્ટ

મુંબઈ: ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ બુધવારે રેડ એલર્ટ જારી કરીને મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી હતી અને જિલ્લા કલેક્ટરે તમામ શૈક્ષણિક સંસ્થાઓ માટે રજા જાહેર કરી હતી. છેલ્લા 24 કલાકમાં નાગપુર જિલ્લામાં 202.4 મીમી વરસાદ નોંધાયો હતો. એક દિવસમાં આ અત્યાર સુધીનો મોસમનો સૌથી વધુ વરસાદ છે.
નાગપુર શહેરમાં 150 મિમી વરસાદ
નાગપુર જિલ્લામાં એક જ રાતમાં સરેરાશ 140 મીમી વરસાદ થયો છે. આઠમી જુલાઈએ આખી રાત નાગપુર શહેરમાં 150 મિમી વરસાદ નોંધાયો છે. કેટલાક તાલુકાઓમાં સૌથી વધુ 222 મીમી વરસાદ નોંધાયો છે. નાગપુરના જિલ્લા મેજિસ્ટ્રેટ ડો.વિપિન ઈટનકરે માહિતી આપી હતી કે જિલ્લામાં 30થી 40 લોકોને બચાવી તમામને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
મધ્યમ વરસાદની સંભાવના
પ્રાદેશિક હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, ગોંદિયા, ભંડારા અને નાગપુર જિલ્લાના ઘણા વિસ્તારોમાં વીજળી સાથે વાવાઝોડું અને મધ્યમ વરસાદની સંભાવના છે. અકોલા, વર્ધા, અમરાવતી, ચંદ્રપુર, ગડચિરોલી અને યવતમાલ જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદની સંભાવના છે. અકોલા અને બુલઢાણા જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવા વરસાદની આગાહી છે.
આ પણ વાંચો: હિમાચલ પ્રદેશમાં વરસાદનો કહેર: 7 જિલ્લામાં પૂરનો ખતરો, 225 રસ્તાઓ બંધ
વિદર્ભની સ્થિતિ નિયંત્રણમાં
પૂરનો સામનો કરી રહેલા પૂર્વ વિદર્ભની સ્થિતિ નિયંત્રણમાં છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ) કોઈપણ પ્રકારની કાર્યવાહી માટે તૈયાર છે. બુધવારે વિધાનસભામાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ રજૂઆત કરી હતી. પૂર્વ વિદર્ભમાં પૂરનો મુદ્દો કોંગ્રેસના નેતા નાના પટોલેએ ઉઠાવ્યો હતો.
ગઢચિરોલી-નાગપુર રોડ બંધ
ફડણવીસે ગૃહને માહિતી આપી હતી કે રાજ્ય પરિવહન બસમાં ફસાયેલા કેટલાક મુસાફરોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ગઢચિરોલી-નાગપુર રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. જોકે વૈકલ્પિક માર્ગ પરના ટ્રાફિકને કોઈ અસર થઈ નથી. ગોસેખુર્દ બંધમાંથી પાણીના નિકાલને પગલે ગઢચિરોલી સુધીના ગ્રામજનોને સાવધ કરી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: અમેરિકાના ટેક્સાસમાં વરસાદે વિનાશ વેર્યો; ભયંકર પુરને કારણે 100 થી વધુ લોકોના મોત
તંત્રને સાવધ રહેવાની અપીલ
ફડણવીસે નાગપુરમાં પાણી ભરાઈ ગયું હોવાની અને સંબંધિત તંત્ર પૂરતી કાળજી લઈ રહ્યું હોવાની જાણકારી આપી હતી. એક વ્યક્તિ હવાના જોરમાં ફેંકાઈ ગઈ હોવાની માહિતી મળી હતી. નાગપુરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ સીએમએ લોકોને તમામ પ્રકારની સાવધાની રાખવાની અપીલ કરી હતી.