નાગપુરમાં ઝેર પીધા બાદ વૃદ્ધ ડોક્ટરનું મૃત્યુ: પત્નીની હાલત નાજુક

નાગપુર: નાગપુરમાં સ્વાસ્થ્યની સમસ્યાઓથી પીડાતા 80 વર્ષના ડૉક્ટર અને તેમની 70 વર્ષની પત્નીએ ઝેર પીધું હતું, જેમાં ડૉક્ટરનું મૃત્યુ થયું હતું, જ્યારે તેની પત્નીની હાલત નાજકુ હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
ડૉ. ગંગાધરરાવ હર્ને અને તેમની પત્ની નિર્મલા સોનેગાંવ પોલીસ સ્ટેશનની હદમાં સમર્થ નગરીમાં રહેતાં હતાં. દંપતી લાંબા સમયથી પેટનું અલ્સર અને દાંતની સમસ્યાઓથી પીડાતું હતું.
બુધવારે સવારે 7.30 વાગ્યે ડૉક્ટર તેમના ઘરની બહાર ખુલ્લી જગ્યામાં અને તેમની પત્ની ઘરમાં બેભાન અવસ્થામાં પડેલા મળી આવતાં પડોશીએ ડૉક્ટરની પુત્રવધૂ શિલ્પા હર્નેને કૉલ કરી આની જાણ કરી હતી, જે ભિલાઇ ખાતે રહે છે.
આ પણ વાંચો: નડિયાદમાં આત્મહત્યા કરવા શિક્ષકે મુકબધીર પર કર્યું ઝેરનું પારખું; પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા…
દરમિયાન બનાવની જાણ થતાં સોનેગાંવ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ડૉક્ટર અને તેમની પત્નીને બાદમાં હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતાં, જ્યાં ડોક્ટરને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
પોલીસને ઘટનાસ્થળેથી જંતુનાશક દવાની બે બોટલ તેમ જ ત્રણ સૂસાઇડ નોટ મળી આવી હતી. બે સૂસાઇટ નોટ પુત્ર અને પરિણીત પુત્રી માટે હતી, જ્યારે ત્રીજી સૂસાઇટ નોટમાં ડોક્ટરે તેમના દુખાવા અને એકલતા વિશે ઉલ્લેખ કર્યો હતો. ઉપરાંત પોતાના અંતિમ પગલા માટે કોઇને પણ જવાબદાર ન ઠેરવવાનું પણ તેમાં જણાવ્યું હતું.