સ્મશાનમાંથી રાખ અને હાડકાં ગુમ: મેલીવિદ્યા માટે લઈ જવાયાની શંકા

નાગપુર: નાગપુર જિલ્લાના સ્મશાનમાંથી યુવતીના શબની રાખ અને હાડકાં શંકાસ્પદ રીતે ગુમ થઈ જવાથી ગામવાસીઓ અને પોલીસને આંચકો લાગ્યો હતો. મેલીવિદ્યા માટે આ કૃત્ય થયું હોવાની શંકા પરથી પોલીસે તપાસ હાથ ધરી હતી.
અધિકારીના જણાવ્યા મુજબ ઘટના ઉમરેડ પોલીસ સ્ટેશનની હદમાં બની હતી. માંદગીને કારણે 23 વર્ષની યુવતીનું સોમવારની સવારે મૃત્યુ થયું હતું. પોસ્ટમોર્ટમ બાદ યુવતીનું શબ પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું અને ઉમરેડના ભિવાપુર વાય-પૉઈન્ટ નજીકના સ્મશાનમાં બપોરે એક વાગ્યે તેના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.
આપણ વાચો: ફરી ધૂણ્યું અંધશ્રદ્ધાનું ભૂત! વલસાડના અંતરિયાળ વિસ્તારની શાળામાં મેલીવિદ્યા-તાંત્રિકવિધિના આક્ષેપો
પોલીસના જણાવ્યા મુજબ મંગળવારની સવારે યુવતીનાં સગાં સ્મશાનમાં ગયાં ત્યારે રાખ અને હાડકાં ગુમ હોવાનું જાણી તેમને આંચકો લાગ્યો હતો. યુવતીનાં સગાંને શંકા છે કે મેલીવિદ્યા માટે કોઈ રાખ અને હાડકાં લઈ ગયું હશે. આ પ્રકરણે ઉમરેડ પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ સ્મશાન ખાતેના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી રહી છે. (પીટીઆઈ)



